મોરબી: આજે સવારથી જ મોરબી સહિત સમગ્ર ગુજરાતની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આધાર ઓથેન્ટિકેશનની સિસ્ટમ ઠપ્પ થઈ જતાં દસ્તાવેજ નોંધણી માટે આવેલા સેંકડો અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.સવારના 10:30 વાગ્યાથી સર્વર અને આધાર ઓથેન્ટિકેશનની કામગીરી બંધ છે. દસ્તાવેજમાં ફોટા પાડવા સહિતની પ્રક્રિયા અટકી જતાં કચેરીઓમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મોરબી કચેરી ખાતે અંદાજે 100 થી 150 જેટલા અરજદારો સવારથી જ પોતાની કામગીરી પૂર્ણ થવાની રાહ જોઈને બેઠા છે.એડવોકેટ ભાવિનભાઈ પટેલે આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'આ સમસ્યા માત્ર મોરબી પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ અને આઈટી સેલના પ્રમુખ સવાણીભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.' અરજદારો સવારના 10 વાગ્યાથી કચેરીએ આવી ગયા હોવા છતાં, કોઈ ઉકેલ ન આવતા લોકોનો સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે. સરકારી તંત્ર વહેલી તકે આ ટેકનિકલ ખામી સુધારે તેવી લોકમાંગ ઉઠી છે.