રંગપર નજીક કારખાનામાં વેલ્ડીંગ કરતી વખતે શ્રમિક પડી જતા કારખાના માલીકે ખોટી વિગતો જાહેર કરી હતીમોરબી : મોરબી તાલુકાના રંગપર નજીક લુકાસો સિરામિક નામની બંધ પડેલી સિરામિક ફેકટરીમાં રાત્રીના સમયે અંધારામાં શ્રમિક ગેસ વેલ્ડીંગ કરતા સમયે પડી જતા મૃત્યુ નીપજ્યું હોવા છતાં ફેકટરી માલિક અને કામ રાખનાર પાંચ ઈસમોએ પોલીસને ખોટી માહિતી આપી હકીકત છુપાવી હોવાનું સામે આવતા પાંચેય વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ બંધ પડેલી લુકાસો સિરામિક ફેકટરીમાં ગત તા.11ના રોજ મોરબીના વિક્રમભાઈ પરસોત્તમભાઈ પાટડીયા ઉંચાઈ પરથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના ફેકટરીના માલિક તેમજ ફેક્ટરીનો ઇમલો પાડવા અને પતરા ઉતારવાનું કામ રાખનાર ઈસમોએ સાચી હકીકત છુપાવી હોય મૃતકના સાળા વિજયભાઈ લાલજીભાઇ ઈંદરિયાએ તાલુકા પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે, આરોપી જયદીપ પટેલ, હિરેન પટેલ, ગોપાલભાઈ રહે.ત્રણેય રાજકોટ અને ફેકટરી માલિક જિતેન્દ્ર રંગપરિયા અને અંબારામ રંગપરિયાએ પોલીસ તેમજ તબીબ સમક્ષ તેમના મૃતક બનેવી દીવાલ પરથી પડી જતા મૃત્યુ થયાની ખોટી વિગત જાહેર કરી હતી.હકીકતમાં ફેકટરીના માલિક તેમજ ફેકટરી પાડવાનું કામ રાખનાર આરોપીઓએ ગુન્હાહિત બેદરકારી દાખવી રાત્રીના અંધકારમાં પતરાની એન્ગલ અને કેચી કાપવા માટે ગેસ વેલ્ડીંગનું કામ કરાવતા હતા. સાથે જ સલામતીની કોઈ વ્યવસ્થા કરી ન હોવાથી વેલ્ડીંગ કરતા સમયે વિક્રમભાઈ ઉંચાઈ પરથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું હતું.આ ગંભીર ઘટનામાં પોલીસે બન્ને ફેકટરી માલિકી સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ મુજબ ગુન્હો દાખલ કરતા ચકચાર જાગી છે.