મોરબી : આજે મહાશિવરાત્રીના પાવન પર્વે મોરબીના સુપ્રસિદ્ધ અને પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. રફાળેશ્વર ખાતે યોજાતા પરંપરાગત મેળા અને શિવરાત્રીના મહિમાને લઈ વહેલી સવારથી જ અહીં 'હર હર મહાદેવ'નો નાદ ગુંજી રહ્યો છે.મંદિરના પૂજારી યોગેશ ભારતી ગોસ્વામીએ આજના દિવસના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, રફાળેશ્વર મહાદેવનું શિવલિંગ ત્રેતાયુગ સમયનું અને સ્વયંભૂ છે. પાંડવોએ અહીં પિતૃતર્પણનું કાર્ય કર્યું હતું અને ભીમ દ્વારા અહીં ભીમનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી, જેથી આ જગ્યાનું પૌરાણિક મહત્વ અનેરું છે. શિવપુરાણ અનુસાર આજનો દિવસ એટલે શિવલિંગનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે, જ્યારે મહાદેવ અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા હતા.વહેલી સવારથી હજારો ભક્તોએ દર્શન કર્યાઆજે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે ૩:૦૦ થી ૪:૦૦ વાગ્યાના સમયગાળામાં મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. સવારથી જ ભક્તોની ભારે મેદની ઉમટી છે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ મહાદેવના દર્શનનો લાભ લીધો છે.રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને આરતીમહાશિવરાત્રીની રાત્રિનું વિશેષ મહત્વ હોવાથી આજે રાત્રે ચાર પ્રહરની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રથમ પ્રહર: રાત્રે ૧૦:૦૦ વાગ્યેબીજો પ્રહર: રાત્રે ૧૨:૦૦ વાગ્યેત્રીજો પ્રહર: રાત્રે ૨:૦૦ વાગ્યેચોથો પ્રહર: વહેલી સવારે ૪:૦૦ વાગ્યે.આ ઉપરાંત દિવસ દરમિયાન નિયમિત સમયે એટલે કે સવારે ૫ વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે, ૩ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે પણ આરતી કરવામાં આવે છે.આખી રાત મંદિર ખુલ્લું રહેશેમેળામાં આવતા અને દર્શનાર્થે આવતા તમામ ભાવિકો દર્શનનો લાભ લઈ શકે તે માટે આજે આખી રાત રફાળેશ્વર મહાદેવનું મંદિર ખુલ્લું રાખવામાં આવશે તેમ પૂજારીએ જણાવ્યું હતું.