FIEO, CAPEXIL, MCMA અને DGFT આયોજિત સેમિનારમાં ભારત-US અને ભારત-EU FTA કરારો વિશે માહિતી અપાઈમોરબી ; મોરબીના આંગણે વર્ધમાન હોટલ ખાતે FIEO, CAPEXIL, MCMA અને DGFT (ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ) ના સંયુક્ત ઉપક્રમે સિરામિક ઉદ્યોગ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરારો અને તેના થકી ભારતીય નિકાસકારોને મળતા લાભો વિશે જાગૃતિ લાવવાનો હતો.આ સેમિનારમાં ખાસ કરીને 'India-US Agreement' અને 'India-EU FTA' પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૬માં નિષ્કર્ષ પર પહોંચેલા ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (India-EU FTA), જેને વ્યાપાર જગતમાં “Mother of All Deals” તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ફેબ્રુઆરી ૨૦૨૬માં જોઈન્ટ સ્ટેટમેન્ટ સાથે આગળ વધી રહેલા ભારત-અમેરિકા ઇન્ટરિમ ટ્રેડ ફ્રેમવર્ક વિશે પણ ઉદ્યોગકારોને ઊંડાણપૂર્વક માહિતિ આપવામાં આવી હતી.CAPEXIL વતી ઉપસ્થિત રહેલા સિરામિક પેનલના ચેરમેન નિલેશભાઈ જેતપરીયાએ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આ નવા FTAs (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ) સિરામિક ઉદ્યોગ માટે નવી ક્ષિતિજો ખોલશે. ખાસ કરીને નિકાસ વધારવાની તકો, વિવિધ દેશોમાં ટેરિફ (જકાત) માં ઘટાડો અને સરળ માર્કેટ એક્સેસ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મોરબી અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારો, ઉત્પાદકો અને વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારમાં આપવામાં આવેલી માહિતીથી ઉદ્યોગકારોમાં એક નવો જોશ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં આવા વધુ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે, જેથી સિરામિક ઉદ્યોગના તમામ સભ્યો આ આંતરરાષ્ટ્રીય કરારોનો મહત્તમ લાભ લઈ શકે અને 'વોકલ ફોર લોકલ' ના મંત્ર સાથે ભારતીય સિરામિક ઉદ્યોગને વૈશ્વિક ફલક પર વધુ મજબૂત બનાવી શકે. કાર્યક્રમના અંતે 'દેશ પ્રથમ... વંદે ભારત' ના નારા સાથે ભારતીય અર્થવ્યવસ્થામાં સિરામિક ઉદ્યોગના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.