યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા બાળકોને દોઢ કરોડ સુધીની મોંઘી કારોમાં કરાવાઈ 'જોય રાઈડ'મોરબી : આજે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે. સામાન્ય રીતે યુવાધનને પ્રેમનો એકરાર કરવાનો દિવસ માનવામાં આવે છે, પરંતુ મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી આ દિવસને એક અલગ જ અંદાજમાં ઉજવવામાં આવે છે. મોરબીના 'યંગ ઇન્ડિયા ગ્રુપ' દ્વારા વેલેન્ટાઈન ડેને 'વાત્સલ્ય દિવસ' તરીકે ઉજવીને સમાજને એક નવી રાહ ચીંધવામાં આવી છે.શું હતી આ ખાસ ઉજવણી? સામાન્ય રીતે સરકારી શાળામાં ભણતા કે પછાત વિસ્તારના બાળકોનું સપનું હોય છે કે તેઓ પણ ફિલ્મોમાં દેખાતી મોંઘીદાટ ગાડીઓમાં બેસે. બસ, આ જ સપનાને સાકાર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા એક ભવ્ય 'જોય રાઈડ'નું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના માર્ગો પર જ્યારે મર્સિડીઝ, ઓડી, BMW, ફોર્ચ્યુનર જેવી દોઢ કરોડ રૂપિયા સુધીની 40 થી વધુ લક્ઝ્યુરિયસ ગાડીઓનો કાફલો નીકળ્યો ત્યારે લોકો જોતા રહી ગયા હતા. પણ આ ગાડીઓમાં કોઈ નેતા કે ઉદ્યોગપતિ નહીં, પણ સરકારી શાળાના ભૂલકાઓ રાજાશાહી ઠાઠથી બેઠા હતા અને હાથ હલાવીને શહેરનું અભિવાદન ઝીલી રહ્યા હતા. ઉદ્યોગપતિઓએ પણ ઉદાર દીલે પોતાની કાર આ જોઈ રાઈડ માટે આપી હતી.રૂટ અને આયોજનઆ જોય રાઈડનું પ્રસ્થાન શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ ખાતેથી થયું હતું. ત્યાંથી આ કાફલો ગાંધી ચોક અને રવાપર રોડ થઈને રવાપર ચોકડી અને ત્યાંથી એસપી રોડ સુધી પહોંચ્યો હતો. ત્યાંથી પરત થઈ ભક્તિનગર સર્કલ ખાતે નિર્શિવ ફાઉન્ડેશનના સહયોગથી હોટેલમાં બાળકોને મનગમતું ભોજન કરાવાયું હતું. અંદાજે ૧૫૦ થી વધુ બાળકોએ આ રાઈડનો આનંદ માણ્યો હતો.આયોજકો શું કહે છે? આ અંગે યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વેલેન્ટાઈન ડે દેખાડો અને વ્યાપારિકતામાં રૂપાંતરિત થઈ ગયો છે ત્યારે યંગ ઈન્ડિયા ગ્રુપ માને છે કે પ્રેમનો સાચો અર્થ સેવા, સંવેદના અને વાત્સલ્યમાં છે. આ વિચાર સાથે ભારતીય સંસ્કૃતિનું મૂળ તત્વ બીજાને ખુશી આપીને ખુશી મેળવવી એ વાતને ચરિતાર્થ કરવા માટે આ દિવસને અમે ઉજવીએ છીએ. જે અંતર્ગત આજે મોરબીની સરકારી શાળાના બાળકોને વૈભવી કારમાં મોરબી શહેરની સફર કરાવી સારી હોટેલમાં પ્રેમ પૂર્વક ભોજન કરાવ્યું હતું. આ બાળકોને જો આ રીતે પ્રેમ આપવામાં આવશે તો સમાજમાં સંવેદનશીલતા અને સકારાત્મકતા ફેલાશે.જ્યારે રોહનભાઈ રાકંજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૭ વર્ષથી અમે વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. આ વર્ષે અમારી સાથે નિર્શિવ ફાઉન્ડેશન પણ જોડાયું છે. અમારો મુખ્ય હેતુ માત્ર એટલો જ છે કે બાળકોને ખુશી આપવી અને તેમના ચહેરા પર સ્મિત લાવવું.બાળકોનો આનંદ સાતમા આસમાનેપીએમશ્રી માધાપર વાડી કુમાર/કન્યા શાળાની એક વિદ્યાર્થિનીએ પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે, 'અમને ખૂબ જ મજા આવી રહી છે. ગયા વર્ષે પણ અમે રાઈડ કરી હતી અને આજે ફરી આવી મોટી ગાડીઓમાં ફરવાનો આનંદ કંઈક અલગ જ છે.' અન્ય એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે અમે જે ગાડીઓના નામ નહતા સાંભળ્યા તેવી મોંઘી ગાડીમાં ફરવાનો અમને ખૂબ જ આનંદ આવ્યો.આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાં, અરવિંદભાઈ વાંસદડીયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા અને બાળકો સાથે ઉજવણી કરી હતી.