સાહિત્ય અકાદમી અને શાળાના સંયુક્ત ઉપક્રમે ગુંજશે નાદ ગુજરાતીનોમોરબી: મોરબીના રામકૃષ્ણ નગરમાં આવેલી શ્રી વિવેકાનંદ કન્યા શાળા- 2 ખાતે આગામી તારીખ 19 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસના ઉપલક્ષમાં ભવ્ય 'માતૃભાષા મહોત્સવ-2026' નું આયોજન કરવામાં આવ્યું છે. આપણી ગૌરવશાળી ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધન માટે યોજાનારા આ કાર્યક્રમમાં સાહિત્યરસિકો અને નગરજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને વિવેકાનંદ કન્યા શાળા, મોરબી-2 ના સંયુક્ત ઉપક્રમે 'માતૃભાષા સપ્તાહ' અંતર્ગત એક વિશેષ વ્યાખ્યાન અને મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 'મળી માતૃભાષા મને ગુજરાતી' જેવા ઉમદા ધ્યેય સાથે આ કાર્યક્રમ તારીખ 19 ફેબ્રુઆરી ને ગુરુવારના રોજ સવારે 11 કલાકે યોજાશે.આમંત્રિતોકાર્યક્રમના પ્રેરણામૂર્તિ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જ્હા છે. જ્યારે ડૉ. રામ વારોતરીયા અને ડૉ. અમૃત કાંજિયા વક્તા તરીકે ઉપસ્થિત રહીને માતૃભાષાના મહિમાનું ગાન કરશે અને વ્યાખ્યાન આપશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દિપાબેન બોડા અને અતિથિ વિશેષ તરીકે ઉમેશભાઈ બોપલિયા હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાયલબેન રાજપરા કરશે. સંયોજક તરીકે રાજેશભાઈ મંઢ હાજર રહેશે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતૃભાષા ગુજરાતીના મધુર અસ્તિત્વને વધાવવા અને તેની ભવ્યતાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. સંસ્કૃતિ અને સંસ્કારોની ધરોહર સમાન માતૃભાષાના આ મહાપર્વમાં પધારવા માટે શાળાના આચાર્ય સંજયભાઈ દંતસિયા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા મોરબીના તમામ ભાષાપ્રેમી જનતાને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.