દીકરાની લાલચમાં હેવાનિયતની હદ પાર કરી : કેનેડા અને બેંગકોકમાં ઢોર માર માર્યો : પીડિતાના સણસણતા આક્ષેપોમોરબી: મોરબીમાં પરણેલી અને હાલ ગોંડલ પિયરમાં રહેતી એક પરિણીતાએ પોતાના કેનેડા સ્થિત મૂળ મોરબીના પતિ, સાસુ અને જેઠ સામે શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યા છે કે સંતાનમાં દીકરી હોવા છતાં વંશવેલા માટે દીકરાની ઘેલછામાં પતિ અસહ્ય અત્યાચાર ગુજારતો હતો. મળતી માહિતી મુજબ, ગોંડલના અભિલાષાબેનના લગ્ન 29 મે, 2010ના રોજ મોરબીના હર્ષદ મનજીભાઈ કડીવાર સાથે થયા હતા. લગ્નના શરૂઆતના બે વર્ષ બધું બરાબર ચાલ્યું હતું. દંપતીને સંતાનમાં એક 12 વર્ષની દીકરી છે. જોકે, દીકરીના જન્મ બાદ સાસરિયાઓનું વર્તન બદલાઈ ગયું હતું. પતિ હર્ષદ, સાસુ ચંપાબેન અને જેઠ જીજ્ઞેશ કડીવાર અવારનવાર 'અમારા મોભા મુજબ તું કરિયાવર લાવી નથી' કહીને મેણા-ટોણા મારતા હતા અને ઘરકામ બાબતે ખોટો વાંક કાઢી મારઝૂડ કરતા હતા.દીકરાની લાલચમાં બે વખત બળજબરીથી ગર્ભપાતપીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિને દીકરાની લાલચ હતી. આ માટે 2018માં ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ અને રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં પત્નીની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી બે વખત ગર્ભપાત (Abortion) કરાવી નાખવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતા, પતિએ ધમકી આપી હતી કે 'જો તું દીકરો નહીં આપે તો મારી નાખીશ.'કેનેડામાં માર માર્યો, હાથમાં ફ્રેકચર કર્યું અને કાનનો પડદો તોડી નાખ્યોપીડિતાના જણાવ્યા મુજબ, વિદેશમાં પણ તેની પર દમન ચાલુ હતું. કેનેડામાં પતિ દ્વારા એટલી હદે માર મારવામાં આવતો કે તેના હાથમાં ફ્રેકચર થઈ ગયું હતું અને દોઢ મહિનો પાટો રાખવો પડ્યો હતો. એક વખત માર મારવાને કારણે કાનનો પડદો પણ તૂટી ગયો હતો. સપ્ટેમ્બર 2025માં સસરાની શ્રાદ્ધવિધિ માટે તેઓ કેનેડાથી ભારત આવ્યા હતા અને ત્યારબાદ બેંગકોક ગયા હતા.થાઈલેન્ડમાં બળજબરીથી IVF ટ્રીટમેન્ટ માટે લઈ જવાયપીડિતાએ જણાવ્યું કે 2025માં પતિ તેને અને દીકરીને લઈને બેંગકોક (થાઈલેન્ડ) ગયો હતો. ત્યાં બળજબરીથી IVF ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી હતી. પત્નીએ ના પાડતા ત્યાં પણ તેને બેફામ માર મારવામાં આવ્યો હતો. અંતે કંટાળીને પીડિતાએ પોતાના મામાને મેસેજ કરી મદદ માંગી હતી. મામાએ અમદાવાદ એરપોર્ટ પર આવીને ભાણી અને તેની દીકરીને રેસ્ક્યુ કર્યા હતા.પતિ દાગીના-ડોક્યુમેન્ટ લઈ કેનેડા નાસી ગયોપીડિતા અભિલાષાબેન હાલ ગોંડલ પિયરમાં રહે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમના સોનાના દાગીના અને મહત્વના ડોક્યુમેન્ટ્સ પતિ હર્ષદ પાસે છે, જે પરત માંગવા છતાં આપ્યા નથી. પોલીસ ફરિયાદની ગંધ આવી જતા પતિ પરત કેનેડા નાસી ગયો છે.ન્યાયની માંગ અને તબીબો સામે કાર્યવાહીની અપીલપીડિતાએ મીડિયા સમક્ષ રડતા રડતા જણાવ્યું હતું કે, 'મેં 13 વર્ષ સુધી દીકરીના ભવિષ્ય અને મા-બાપની આબરૂ ખાતર આ નરક જેવી યાતના સહન કરી છે. મારે ન્યાય જોઈએ છે. પૈસાની લાલચમાં ગેરકાયદેસર ગર્ભપાત કરતા ડોક્ટરો સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી બીજી કોઈ દીકરીએ આવું સહન ન કરવું પડે.'મોરબી મહિલા પોલીસે ગુનો નોંધ્યોઆ સમગ્ર મામલે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં અભિલાષાબેને પતિ હર્ષદ કડીવાર, સાસુ ચંપાબેન કડીવાર અને જેઠ જીજ્ઞેશ કડીવાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 85, 115(2), અને 54 મુજબ ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.