મોરબી: મોરબીના લીલાપર રોડ પર મચ્છુ નદીના પુલ નજીક આજે એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં એક છકડો રસ્તા પર પલટી મારી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. બીજી તરફ આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, લીલાપર રોડ પર મચ્છુ નદીના પુલ પાસે જે વળાંક આવેલો છે, ત્યાં આજે એક છકડો અચાનક પલટી ખાઈ ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની કે ઈજાના સમાચાર નથી. સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, આ સ્થળ પર આવેલો વળાંક ખૂબ જ જોખમી છે. અહીં વળાંક એવી રીતે છે કે જેના કારણે અવારનવાર ચાલુ વાહનો સંતુલન ગુમાવી દે છે અને પલટી મારી જાય છે. અગાઉ પણ અહીં આવા નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.આ માર્ગ પર વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકો અને સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર દ્વારા આ જોખમી વળાંક અંગે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના નિવારી શકાય.