મોરબી : મોરબીના પાડા પુલનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હોવાના કારણે આજે તારીખ 13 ફેબ્રુઆરીથી પાડા પુલને બંધ કરવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે પાડા પુલ બંધ કરી દેવાયો છે. ત્યારે આજે સવારે જ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઈ હતી. પાડા પુલ બંધ કરાતા મોરબીમાં અનેક જગ્યાએ ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી છે.મોરબી શહેરમાંથી સામાકાંઠે જવા માટે ઉપયોગમાં લેવાતા મયુર પુલ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. મયુરપુલથી શરૂ કરીને નવયુગ ગારમેન્ટ સુધી ટ્રાફિકજામ સર્જાયો છે. સવારે ધંધાર્થે અને રોજગારી માટે જઈ રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકો ફૂટપાથ પરથી વાહન ચલાવીને જઈ રહ્યા છે. ત્યારે વાહનચાલકોની માગ છે કે, જો મયુરપુલ નીચે રહેલો બેઠો પુલ સવારે બે કલાક માટે આવન-જાવન માટે ખોલવામાં આવે તો ટ્રાફિકનું ભારણ ઘટી શકે તેમ છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે.