ટંકારા : રાજ્ય સરકાર ભલે 'સલામત સવારી, એસટી અમારી'ની વાતો કરતી હોય પરંતુ ટંકારામાં એસટી બસની હાલત જોઈને આ સૂત્ર પોકળ સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ટંકારામાં માત્ર એક જ અઠવાડિયામાં એસટી બસના અકસ્માતની બીજી ઘટના સામે આવતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, આજે ટંકારા એસટી બસ સ્ટેન્ડમાંથી એક સરકારી બસ બહાર નીકળી રહી હતી. તે સમયે બસનું વ્હીલ બસ સ્ટેન્ડના બહારના ભાગમાં આવેલા ફૂટપાથના ખૂણે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બસનું ટાયર ફાટી ગયું હતું અને બસ સાઈડની ગ્રીલ (રેલિંગ) સાથે ઢસડાઈ હતી.અચાનક થયેલા ધડાકા અને અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરો અને આસપાસના લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે રોડ પર થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ બાદમાં સ્થિતિ થાળે પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારામાં સપ્તાહમાં આ બીજો બનાવ બન્યો છે ત્યારે તંત્ર દ્વારા 'સલામત સવારી'ના દાવાઓ સામે સવાલો ઉભા થયા છે.