સાહિલ યુક્રેનમાં જ બંદી રહેશે, હવે ભારત સરકાર ઝડપથી છોડાવવાના પ્રયાસો કરે તેવી સાહિલના માતાની અપીલમોરબી: રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ વચ્ચે મોરબીનો સાહિલ મજોઠી, છેલ્લા કેટલાક સમયથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં કેદી બન્યો છે. સાહિલ મજોઠી અને તેના માતા દ્વારા જારી કરવામાં આવેલા વિડીયો સંદેશમાં ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવવામાં આવી છે.સાહિલના માતાએ વિડીયોમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર ઓક્ટોબર મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે. જોકે, તેમણે રાહતની વાત એ જણાવી હતી કે યુક્રેન સરકાર સાહિલનું પૂરતું ધ્યાન રાખી રહી છે અને તેની સાથે માનવતાભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ૫ ફેબ્રુઆરીના રોજ યુક્રેન અને રશિયા વચ્ચે સૈનિકોની અદલાબદલી થઈ હતી, પરંતુ તેમાં સાહિલનો સમાવેશ થયો ન હોવાથી મોટી રાહત મળી છે. સાહિલના માતાએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, યુક્રેન સરકાર સાહિલને ભારત સોંપવા માટે તૈયાર છે. પરિવારે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને રાષ્ટ્રપતિ સુધી અનેકવાર રજૂઆતો કરી છે, રૂબરૂ મુલાકાતો અને ઈમેઈલ કર્યા છે. માતાએ સરકારને હાથ જોડીને વિનંતી કરી છે કે તેમનો પુત્ર નિર્દોષ છે અને તેને જલ્દીથી ભારત પરત લાવવામાં આવે.સાહિલનો સંદેશ: 'હું ઠીક છું, કોઈ તકલીફ નથી'બીજી તરફ, સાહિલ મજોઠીએ પણ ડિટેન્શન સેન્ટરથી એક વિડીયો સંદેશ મોકલ્યો છે જેમાં તે યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે પોતાના પરિવારજનોના ખબરઅંતર પૂછ્યા હતા અને ખાસ અંજુમ સ્કૂલે જાય છે કે કેમ તેની પૃચ્છા કરી હતી. સાહિલે જણાવ્યું કે, 'હું અહીં ઠીક છું, મને કોઈ તકલીફ નથી. ૫ જાન્યુઆરીએ એડવોકેટ અહીં આવ્યા હતા અને વાતચીત થઈ છે.' સાહિલે પરિવારને ચિંતા ન કરવા જણાવ્યું છે.