મોરબી : ફેબ્રુઆરી મહિનો અડધો વીતી ગયો છે ત્યારે હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ટંકારાના નાના ખીજડિયા ગામના હવામાન નિષ્ણાંત રમેશભાઈ બસિયાએ તારીખ 13 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધીની હવામાન આગાહી જાહેર કરી છે. જેમાં તાપમાનમાં વધારો અને ઝાકળ વર્ષાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.રમેશભાઈ બસિયાની આગાહી મુજબ, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં મિશ્ર વાતાવરણ જોવા મળશે.● લઘુતમ તાપમાન: રાજ્યમાં લઘુતમ તાપમાન 17થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે અમુક સીમિત વિસ્તારોમાં પારો 16 ડિગ્રી સુધી જઈ શકે છે.● મહત્તમ તાપમાન: બપોરના સમયે ગરમીનો અનુભવ થશે. મોરબી અને આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી રહેવાની વકી છે. જ્યારે સાઉથ ગુજરાત, પૂર્વ ગુજરાતના અમદાવાદ તથા સૌરાષ્ટ્રના ગોંડલ અને અમરેલી પંથકમાં તાપમાનનો પારો 34થી 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે.પવન અને વાદળછાયું વાતાવરણ:● આગાહીના સમયગાળામાં પવનની ઝડપ નોર્મલ રહેશે. 13 અને 14 તારીખે પવન ઉત્તર દિશાનો રહેશે, જ્યારે બાકીના દિવસોમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે.● તારીખ 13થી 15 દરમિયાન અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે. જ્યારે 16 અને 17 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો જોવા મળશે.શું માવઠું થશે? ખેડૂતો માટે રાહતના સમાચાર છે. 16 તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) પશ્ચિમ હિમાલય પ્રદેશને અસર કરશે. જેની અસર રૂપે કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડરના વિસ્તારોમાં 16 કે 17 તારીખે છાંટાછૂટી કે હળવા ઝાપટા પડી શકે છે. પરંતુ, મોરબી સહિત બાકીના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી.ઝાકળ વર્ષાની આગાહી:આગાહીના દિવસોમાં સવારના સમયે ભેજનું પ્રમાણ વધુ જોવા મળશે. ખાસ કરીને 15થી 18 તારીખ દરમિયાન પવનની દિશા બદલાવના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર, મોરબી અને રાજકોટ વિસ્તારમાં અમુક દિવસોએ સવારે ઝાકળ વર્ષા જોવા મળી શકે છે.ઉત્તર ભારતની સ્થિતિ:હાલ 14 અને 17 તારીખે જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હળવા વરસાદ કે હિમવર્ષાની શક્યતા છે. માર્ચના પહેલા અઠવાડિયા સુધી પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહી શકે છે.