હડતાળના પગલે ગુજરાતમાં 15,000 કરોડના ટ્રાન્ઝેક્શન ઠપ્પમોરબી : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર નવા લેબર કોડના વિરોધમાં આજે દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ લડતમાં મોરબીના બેંક કર્મચારીઓ પણ જોડાયા છે, જેના કારણે આજે જિલ્લામાં બેંકિંગ સેવાઓને માઠી અસર પહોંચી છે.રવાપર ચોકડી પાસે બેંક કર્મચારીઓનો હલ્લાબોલઆજે સવારથી જ મોરબીમાં બેંકિંગ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યા હતા. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયીઝ એસોસિયેશન (AIBEA) સહિતના દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને મોરબીમાં બેંક ઓફ બરોડા, રવાપર ચોકડી પાસે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકઠા થયા હતા. કર્મચારીઓએ સરકારની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.શા માટે થઈ રહી છે આ હડતાળ?બેંક યુનિયનોના જણાવ્યા અનુસાર, હડતાળ પાછળ મુખ્ય બે મુદ્દાઓ જવાબદાર છે. સરકાર 29 જૂના શ્રમ કાયદાઓને હટાવી 4 નવા લેબર કોડ લાવી રહી છે. યુનિયનોનો આરોપ છે કે આનાથી કર્મચારીઓના અધિકારો છીનવાશે અને માલિકોને 'હાયર એન્ડ ફાયર' (ગમે ત્યારે નોકરીએ રાખવા અને કાઢી મૂકવા)ની ખુલ્લી છૂટ મળી જશે. તેમજ બીજું છે બેંક કર્મચારીઓ લાંબા સમયથી દર શનિવારે રજા એટલે કે '5-ડે વર્ક વીક'ની માંગ કરી રહ્યા છે. કામના વધતા ભારણ વચ્ચે વર્ક-લાઇફ બેલેન્સ જાળવવા માટે આ માગણી અત્યંત મહત્વની હોવાનું યુનિયનો જણાવી રહ્યા છે.આર્થિક વ્યવહારો પર મોટી અસરઆ રાષ્ટ્રવ્યાપી હડતાળની અસર માત્ર મોરબી જ નહીં પણ આખા ગુજરાતમાં જોવા મળી રહી છે.અંદાજિત આંકડા મુજબ, આ હડતાળને કારણે આજે ગુજરાતભરમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના બેંકિંગ ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે. ચેક ક્લિયરન્સ, રોકડ ઉપાડ અને અન્ય બેંકિંગ કામગીરી અટકી પડતા વેપારીઓ અને સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.