મોરબી: કહેવાય છે કે આજના ભૌતિકવાદી યુગમાં નિઃસ્વાર્થ ભાવના લુપ્ત થતી જાય છે, પરંતુ મોરબીમાં બનેલી એક ઘટનાએ સાબિત કરી દીધું છે કે પ્રામાણિકતાના મૂળ હજુ પણ ઊંડા છે. એક ગૌસેવકની સત્યનિષ્ઠાને કારણે નાગરિકનું ખોવાયેલું પાકીટ સલામત રીતે પરત મળ્યું છે.શું હતી સમગ્ર ઘટના?ગત તારીખ 11 ના રોજ એક નાગરિકનું પાકીટ ક્યાંક ખોવાઈ ગયું હતું. આ પાકીટ ગૌશાળામાં સેવાકીય કાર્ય કરતા દેવરાજભાઈ રબારીને મળી આવ્યું હતું. દેવરાજભાઈએ તાત્કાલિક પોતાના મિત્રવર્તુળમાં આ અંગે જાણ કરી હતી. દેવરાજભાઈની આ ભગીરથ મહેનતમાં મિત્ર નીરવ માનસેતા અને દિશાબેન મહેતાએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો. આ મિત્રોની મદદથી પાકીટના મૂળ માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને રૂબરૂ મળીને સંપૂર્ણ વિગત સાથે પાકીટ પરત સોંપવામાં આવ્યું હતું. જે બદલ મૂળ માલિકે સૌનો આભાર માન્યો હતો.