મુખ્ય માર્ગો છોડી શેરી-ગલીઓમાં અધિકારીઓનો કાફલો માત્ર 3 ઓરડીઓ હટાવવા નીકળે છે : મુખ્ય રોડ-રસ્તા ઉપર કાર્યવાહી કરવામાં નિરસતા મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી 'વન વીક, વન રોડ' દબાણ હટાવ ઝુંબેશ હવે સાવ 'મંદ' પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શરૂઆતમાં જે જોરશોરથી કામગીરી ઉપાડવામાં આવી હતી, તે હવે માત્ર દેખાડા પૂરતી સીમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગો દબાણોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે તંત્ર ખૂણે-ખાંચરે જઈને સમય પસાર કરી રહ્યું હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.આજે સવારે ૯:૩૦ વાગ્યાના સુમારે મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ વાવડી રોડથી ક્રિષ્ના પાર્ક જવાના રસ્તે (ગાડા માર્ગ) પહોંચી હતી. આ કામગીરી માટે પાલિકાના ૨૫ થી વધુ કર્મચારીઓનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. જોકે, સ્થળ પર જઈને જોયું તો દબાણના નામે માત્ર ૨ થી ૩ નાની ઓરડીઓ જ હતી. આશ્ચર્યની વાત એ છે કે ૧૧ વાગ્યા સુધીમાં પણ આ નજીવું દબાણ દૂર કરી શકાયું નહોતું. મળતી માહિતી મુજબ, એક દબાણકર્તાને ત્યાં બીજા દિવસે પ્રસંગ હોવાથી તેમને મુદત આપવામાં આવી હતી, જ્યારે અન્ય લોકોએ જાતે સામાન હટાવી લેવાની તૈયારી દર્શાવી હતી. છેવટે, અધિકારીઓએ એવો લૂલો બચાવ કર્યો હતો કે 'ગઈકાલે અહીં વાહનો પડ્યા હતા તે આજે હટી ગયા છે,' અને ટીમ વિલા મોઢે પરત ફરી હતી.મુખ્ય રોડ પરના દબાણો અકબંધ, ગલીઓમાં 'રસ' લેતું તંત્રશહેરના અનેક મુખ્ય માર્ગો પર મોટા પાયે દબાણો ખડકાયેલા છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. જોકે, પાલિકાનું તંત્ર આવા મોટા દબાણો દૂર કરવાને બદલે જ્યાં ટ્રાફિકને કોઈ ખાસ નડતર નથી તેવા અંતરિયાળ વિસ્તારો અને નાના ગાડા માર્ગો પર જઈને કામગીરી બતાવી રહ્યું છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે તંત્ર મોટા દબાણો સામે આંખ આડા કાન કરી, માત્ર નાના દબાણો પર કસ કાઢી રહ્યું છે.રાજકીય દબાણ કે ઈચ્છાશક્તિનો અભાવ?છેલ્લા એક મહિનાથી પાલિકાની ડિમોલિશન કામગીરી ધીમી પડી ગઈ છે. 'વન વીક, વન રોડ' જેવી જાહેરાતો પોકળ સાબિત થઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ કામગીરી મંદ પડવા પાછળ કોઈ રાજકીય દબાણ કારણભૂત છે કે પછી અધિકારીઓની કામગીરી કરવાની દાનત જ નથી? હાલ તો ૨૫-૨૫ માણસોનો કાફલો લઈને નીકળેલું તંત્ર માત્ર ૨ ઓરડીઓ સામે લાચાર બનીને પરત ફરતા પાલિકાની કામગીરી ટીકાને પાત્ર બની છે.'કાયદાકીય રીતે જેટલું થશે તેટલું કરીશું' : અધિકારીનો જવાબછેલ્લા ચાર બુધવારથી માત્ર દેખાડા પૂરતી કામગીરી કેમ થઈ રહી છે તેવું પૂછતાં મહાપાલિકાના અધિકારી શુભમ પટેલે કહ્યું કે, 'અમે કાયદાકીય રીતે જે શક્ય હોય તેટલું ડિમોલિશન કરીએ છીએ.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શહેરમાં ઠેરઠેર ગેરકાયદે દબાણો ખડકાયેલા છે તે નથી દેખાતા? ત્યારે અધિકારીએ કહ્યું કે, 'અત્યારે રસ્તાના દબાણો અંગે ચકાસણી થઈ રહી છે.'