મોરબી: મોરબી જિલ્લાની મુખ્ય ગણાતી સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે દર્દીઓની હાલાકી વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે દવાબારી બંધ રહેતી હોવાથી અને અપૂરતા સ્ટાફને કારણે ઈમરજન્સીમાં આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ ગંભીર મુદ્દે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ અને ગીરીશભાઈ કોટેચા સહિતના સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરી હોસ્પિટલની વ્યવસ્થા સુધારવા માંગ ઉઠાવી છે.શું છે મુખ્ય સમસ્યાઓ અને માંગ?સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબી હવે જિલ્લો બન્યો છે અને અહીં મેડિકલ કોલેજ પણ કાર્યરત છે, તેમ છતાં રાત્રિના સમયે સિવિલ હોસ્પિટલની દવાબારી બંધ રહે છે. દર્દીઓએ બહારથી મોંઘા ભાવે દવા લેવા જવું પડે છે. તેમજ રાત્રિ ડ્યુટીમાં માત્ર બે નર્સિંગ સ્ટાફ અને એક મેડિકલ ઓફિસર હાજર હોય છે. અકસ્માત, મારામારી કે હાર્ટ એટેક જેવા ગંભીર કેસોમાં આ સ્ટાફ દર્દીઓની સંખ્યા મુજબ અપૂરતો સાબિત થાય છે.આ ઉપરાંત રાત્રિ દરમિયાન આંખના ગંભીર અકસ્માતના કેસો આવતા હોય ત્યારે આંખનો વિભાગ પણ કાર્યરત હોવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા હોસ્પિટલમાં અવ્યવસ્થા ન સર્જાય તેમજ ફરજ પરના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની સુરક્ષા માટે કડક સિક્યોરિટીની પણ માંગ કરાઈ છે. જો રાજકોટ અને અમદાવાદ જેવી હોસ્પિટલોમાં સુવિધા મળતી હોય, તો મોરબીની જનતાને કેમ નહીં? તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.