મોરબી: મોરબીમાં સામાજિક સેવા અને સંગઠનની પ્રવૃત્તિઓ હંમેશા અગ્રેસર હોય છે. ત્યારે આગામી તારીખ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ને શુક્રવારના રોજ શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ - મોરબી દ્વારા સમસ્ત ભરવાડ સમાજના સાતમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં સમાજના ૨૬ નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડશે. આ શુભ લગ્ન પ્રસંગ ત્રાજપર ચાર રસ્તા, સુર્યસ પેટ્રોલ પંપ પાછળ, જુના ઘુંટુ રોડ, મોરબી-૨ ખાતે યોજાશે.કાર્યક્રમની રૂપરેખાઆ માંગલિક અવસરના મંગલ પ્રારંભે તા. ૧૨/૦૨/૨૦૨૬ ને શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે ગણેશ સ્થાપના અને મંડપ મુહૂર્ત યોજાશે. ત્યારબાદ મુખ્ય લગ્ન વિધિ એટલે કે હસ્ત મેળાપ તા. ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વહેલી સવારે ૬:૦૦ કલાકે રાખવામાં આવેલ છે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.સંતો-મહંતો આશીર્વાદ આપશે આ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે વંદનીય સંતો ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપુરીજી (શ્રી ગ્વાલીનાથ મહાદેવની જગ્યા - થરા), મહેશપુરીજી (શ્રી શિવપુરીધામ - દ્વારકા), ગાંડુભગત (શ્રી મચ્છુ માતાજીની જગ્યા - મોરબી), રતનપુરીજી (શ્રી રાણાબાપા આશ્રમ - માથક), દેવા ભગત (શ્રી નકલંક ઠાકરની જગ્યા- વેજલપર), રોહિતપુરીજી (શ્રી પાપનાસણા ઠાકરની જગ્યા-તરણેતર) તેમજ અન્ય સંતો હાજરી આપશે. આ ઉપરાંત 3001 દીકરીઓના સમૂહ લગ્નોત્સવના દાતા એવા સ્વર્ગસ્થ બેચરભાઈ તેજાભાઈ ગમારા (અમદાવાદ)ના પુત્ર વિનુભાઈ બેચરભાઈ ગમારા પણ આ સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપશે. લગ્ન વિધિ શાસ્ત્રી અમિતભાઈ જે. પંડ્યા દ્વારા કરાવવામાં આવશે.સામાજિક સંદેશઆ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજને બાળલગ્ન અને કન્યા વિક્રય જેવા દૂષણોથી મુક્ત કરવાનો તેમજ ખોટા ખર્ચાઓ બચાવી સમાજમાં એકસૂત્રતા અને શિક્ષણનો વ્યાપ વધારવાનો છે. આ આયોજનને સફળ બનાવવા શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ અને સમસ્ત ભરવાડ સમાજ મોરબી જહેમત ઉઠાવી રહ્યો છે. સમાજના દાતાઓ દ્વારા ભોજન, પાનેતર, સોના-ચાંદીની ભેટ અને કરિયાવર માટે ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો છે.