મોરબી: ગુજરાત રાજ્યના રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા તાજેતરમાં મોરબી ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વાંકાનેરની દીકરીએ મેદાન માર્યું છે. વઘાસિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીએ વક્તૃત્વ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં દ્વિતીય નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.ગાંધીનગર કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત અને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીના સંચાલન હેઠળ ગત 08 ફેબ્રુઆરી 2026 ના રોજ મોરબીની વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની વઘાસિયા પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી માથકિયા મેહવિસ એ વક્તૃત્વ સ્પર્ધા (વિભાગ-અ) માં રાજ્યમાં દ્વિતીય (બીજો) નંબર પ્રાપ્ત કર્યો છે. મેહવિસની આ સફળતાએ વઘાસિયા શાળા પરિવાર, વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.