અહીં સિંહો માટે જીન-પુલ સેન્ટર તો ચિત્તલ, સાંભર અને ચિંકારા માટે ખાસ 'બ્રિડીંગ સેન્ટર' કાર્યરત : ૪૦૦ જેટલી દુર્લભ વનસ્પતિઓ અને ઔષધિઓનો પણ અહીં ખજાનોમોરબી: મોરબી જિલ્લો માત્ર ઉદ્યોગો માટે જ નહીં પરંતુ જૈવિક વિવિધતા માટે પણ જાણીતો છે. વાંકાનેર તાલુકામાં આવેલું અને ૧૫.૦૧ વર્ગ કિ.મી.માં ફેલાયેલું 'રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય' પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવ સૃષ્ટિ માટે આશીર્વાદ સમાન છે. ચોમાસામાં લીલીછમ વનરાજી અને શિયાળામાં સોનેરી ઘાસથી શોભતું આ અભ્યારણ્ય સેંકડો જીવોનું ઘર બન્યું છે.સિંહો અને વન્યજીવો માટે આધુનિક સુવિધાઓમોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલના જણાવ્યા અનુસાર, આ અભ્યારણ્યમાં ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં સિંહ, દીપડા, ઝરખ, વરૂ (નાર), ચિંકારા, નીલગાય અને સસલા જેવા ૨૦થી વધુ સસ્તન વર્ગના પ્રાણીઓનો સમાવેશ થાય છે.વર્ષ ૨૦૦૮થી અહીં એશિયાઈ સિંહો માટે “જીન-પૂલ સેન્ટર” કાર્યરત છે, જેમાં હાલ ૧૨ સિંહો માટે ૬ મોટા એન્કલોઝર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચિત્તલ, સાંભર અને ચિંકારા માટે પણ ખાસ બ્રિડીંગ સેન્ટર છે. વન્યજીવોની સારવાર માટે અહીં અદ્યતન દવાખાનું, પશુ ચિકિત્સક અને વાહનની સુવિધા પણ ઉપલબ્ધ છે.પક્ષીઓના કલરવથી ગુંજતું જંગલરામપરા અભ્યારણ્ય પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીં ૧૫૦થી વધુ જાતના સ્થાનિક અને યાયાવર પક્ષીઓ જોવા મળે છે. જેમાં મોર, દૂધરાજ, બ્રાહ્મણીમેના, બુલબુલ, દરજીડો અને સુગરી જેવા પક્ષીઓ કલરવ કરે છે. શિયાળામાં કુંજ, પેણ અને વિવિધ બતકો મહેમાન બને છે, તો ચોમાસામાં નવરંગ (ઇન્ડીયન પીટ્ટા) અહીંનું મુખ્ય આકર્ષણ બને છે.ઔષધિઓનો ભંડાર અને ભૌગોલિક મહત્વરેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચે અભ્યારણ્યના ઇતિહાસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, અગાઉ આ વિસ્તાર વાંકાનેર રાજવી પરિવારની 'રામપરા વીડી' તરીકે ઓળખાતો હતો. અહીંની ભૌગોલિક રચનામાં જુરાસિક સમયના રેતાળ પથ્થરો જોવા મળે છે. વનસ્પતિની દ્રષ્ટિએ અહીં ૪૦૦ જેટલી વિવિધ જાતો છે, જેમાં ભૂરી શંખાવલિ જેવી લુપ્ત થતી વનસ્પતિ અને ગુગળ, ખરખોડી, વિકળો જેવી આયુર્વેદિક ઔષધિઓનો ખજાનો છે.પર્યાવરણ જતન અને શિક્ષણવન વિભાગ દ્વારા અહીં પાણીના સંગ્રહ માટે તળાવ અને પક્ષીઓ માટે કૃત્રિમ માઉન્ડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, પર્યાવરણ શિક્ષણ શિબિરોનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવે છે. ચાલુ વર્ષે યોજાયેલી ૧૭ શિબિરોમાં ૮૬૦ વિદ્યાર્થીઓએ પ્રકૃતિ શિક્ષણ મેળવ્યું હતું. અભ્યારણ્યની આસપાસનો ૩૧.૦૮ વર્ગ કિ.મી. વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે. નોંધનીય છે કે, વન્યપ્રાણીઓના કુદરતી સંવર્ધન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અભ્યારણ્ય સામાન્ય જનતાની અવર-જવર માટે પ્રતિબંધિત રાખવામાં આવ્યું છે.