મોરબી: મોરબીમાં નદી પર આવેલા જુના પુલ (પાડાપુલ)ના રિપેરીંગ કામને લઈને જિલ્લા કલેકટર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પુલના બેરીંગ અને જોઈન્ટ બદલવાની કામગીરીને કારણે આ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ક્યારથી બંધ રહેશે?માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પુલના બેરીંગ બદલવા, જોઈન્ટ બદલવા તેમજ પુલ પર માસ્ટિક આસફાલ્ટની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, આગામી તારીખ ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રીના ૧૧:૦૦ કલાકથી રિપેરીંગ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પાડાપુલ (જુનો પુલ) તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે.વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ (ડાયવર્ઝન):[1] નાના અને ખાનગી વાહનો માટે (એસ.ટી. બસ સિવાય):● મોરબી સિટીમાંથી સામાકાંઠે જવા: શક્તિ ચોકથી મયુર પુલ થઈને લાલબાગ (મહારાણા પ્રતાપ સર્કલ) તરફ જઈ શકાશે.● સામાકાંઠેથી મોરબી સિટીમાં આવવા: લાલબાગથી બેઠા પુલ થઈને શક્તિ ચોક તરફ જઈ શકાશે.[2] એસ.ટી. બસ માટેનો રૂટ:● નવા બસ સ્ટેન્ડથી કચ્છ/અમદાવાદ જવા: ભક્તિનગર ઓવરબ્રિજ નીચેથી -> દલવાડી ચોકડી -> પંચાસર ચોકડી -> વાવડી ચોકડી -> નેક્સેસ સિનેમા -> મચ્છુ નદી ક્રોસ કરી -> રવિરાજ ચોકડી થઈને આગળ વધી શકાશે.● કચ્છ/અમદાવાદથી પરત આવવા: માળિયા ફાટક/મહેન્દ્રનગર ચોકડીથી -> રવિરાજ ચોકડી -> મચ્છુ નદી ક્રોસ કરી -> નેક્સેસ સિનેમા -> વાવડી ચોકડી -> પંચાસર ચોકડી -> દલવાડી ચોકડી -> ઉમિયા સર્કલ થઈ નવા બસ સ્ટેન્ડ આવી શકાશે.રવિવારી બજાર બંધ રહેશે:જાહેરનામાના અમલ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે બેઠા પુલ પાસે રવિવારે ભરાતી ગુજરી બજાર (રવિવારી) બંધ રાખવા તેમજ ત્યાં બેસતા નાના ધંધાર્થીઓની વેચાણ પ્રવૃત્તિ બંધ કરાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવામાં આવી છે.જાહેર જનતા માટે સૂચના:મુસાફરોએ જુના બસ સ્ટેન્ડને બદલે નવા બસ સ્ટેન્ડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.