ફેકટરી શરૂ કરવા સમયે કન્સલ્ટન્ટ એજન્સીઓ દ્વારા ભૂલ કરવામાં આવતા ઉદ્યોગને મુશ્કેલી : સેન્ટ્રલ ગ્રાઉન્ડ બોર્ડના અધિકારીઓએ સિરામિક ઉદ્યોગ માટે માર્ગદર્શન બેઠક યોજીમોરબી : મોરબી જિલ્લામાં સિરામિક એકમો દ્વારા ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવતો ન હોવા છતાં પણ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા અનેક એકમોને નોટિસો ફટકારવામાં આવતા સિરામિક એસોસિએશન દ્વારા કેન્દ્રીય જલશક્તિ મંત્રીને રજુઆત કરતા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓએ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવા મોરબી ખાતે ખાસ બેઠક યોજી હતી.મોરબીના અનેક સિરામિક એકમોને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા ભૂગર્ભ જળનો વપરાશ ન કરવા છતાં શોકોઝ નોટિસો મળતા ઉદ્યોગકારો મુસીબતમાં મુકાયા છે. જો કે, એસોસિએશન દ્વારા આ મામલે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલને કરેલી રજુઆત બાદ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, અમદાવાદ દ્વારા મોરબી સિરામિક ઉદ્યોગકારોમાં ગ્રાઉન્ડ વોટર વપરાશ અંગે જાગૃતિ લાવવા બેઠક યોજી હતી.ઉલ્લેખનીય છે કે, ભૂગર્ભ જળનાં વપરાશ માટે ઉદ્યોગોમાં બોરવેલ દ્વારા પાણી વાપરવા માટે સરકારની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. ખેતી અને ઘર વપરાશ માટે પાણી ફ્રી છે, પરંતુ ઔદ્યોગિક વપરાશ માટે દર 1000 લિટર પર ₹1 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.જે ઉદ્યોગોએ મંજૂરી નથી લીધી, તેમને આ ભાવના 20 ગણા (એટલે કે રૂ.20 પ્રતિ 1000 લિટર) લેખે દંડ ફટકારવાની જોગવાઈ છે. મોરબી જિલ્લામાં અંદાજે 500 જેટલા ઉદ્યોગોને નોટિસ મળી હોવાની પ્રાથમિક વિગત છે.ભૂગર્ભ જળ વપરાશની મંજૂરી લેવાની પ્રક્રિયા સરળભૂગર્ભ જળ વપરાશ મામલે સરકારે વર્ષ 2022 માં પેનલ્ટી માફીની સ્કીમ આપી હતી, જેનો લાભ ઘણાએ લીધો નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ હવે સેન્ટ્રલ બોર્ડ દ્વારા સમગ્ર સિસ્ટમ ફેસલેસ અને ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં ઉદ્યોગકારોએ ઓનલાઈન પોર્ટલ પર જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.જો ડોક્યુમેન્ટ્સ યોગ્ય હશે, તો માત્ર 24 કલાકમાં જ NOC મળી જશે.મોરબીમાં માત્ર 25 જેટલા એકમો પાસે જ મંજૂરીમોરબી જિલ્લામાં અંદાજે 2000 જેટલા નાના-મોટા એકમો છે, જેમાંથી માત્ર 25 જેટલા ઔદ્યોગિક એકમોએ જ અત્યાર સુધીમાં સેન્ટ્રલ વોટર બોર્ડની મંજૂરી લીધી છે. અંદાજે 150 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. સરકાર હવે આ બાબતે કડક વલણ અપનાવી રહી છે, જેથી ઉદ્યોગકારોને વહેલી તકે ઓનલાઈન મંજૂરી મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.કન્સલ્ટિંગ એજન્સીની ભૂલનો ભોગ ઉદ્યોગકારો બન્યાનવા સિરામિક એકમ માટે જરૂરી મંજૂરીઓ મેળવતી વખતે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં પાણીના સ્ત્રોત જાહેર કરતા સમયે સ્ત્રોત તરીકે બોરવેલનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. જો કે, મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળમાં TDS એટલે કે, ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સનું પ્રમાણ ખૂબ જ વધારે છે, સિરામિક ઉત્પાદન માટે બિનઉપયોગી છે. હાલમાં સિરામિક ઉદ્યોગો ઉત્પાદન પ્રક્રિયાના કોઈપણ ભાગમાં બોરવેલના પાણીનો ઉપયોગ કરતા નથી. છતાં પણ કન્સલ્ટન્ટની ભૂલના કારણે હાલમાં નોટિસોનો સામનો કરવાનો વારો આવ્યો છે.