મોરબી: મોરબીના ભરતનગર વિસ્તારમાં આવેલ એક પાર્ટીકલ બોર્ડના કારખાનામાં આજે બપોરના સુમારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે મોરબી ફાયર બ્રિગેડની સાથે હળવદ ફાયર ટીમને પણ મદદ માટે બોલાવવાની ફરજ પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના ભરતનગર ITI પાસે આવેલ 'એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ' (Expert Particle Board) નામની ફેક્ટરીમાં આગ લાગી હોવાનો કોલ આજે બપોરે ૧૫:૧૬ વાગ્યે મોરબી ૧૦૧ ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો. કોલ મળતાની સાથે જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી આરંભી હતી. જોકે, આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી અને આગ વધુ પ્રસરી રહી હોવાથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ હળવદ ફાયર ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. મોરબી અને હળવદ બંને ફાયર ટીમોએ સંયુક્ત રીતે ભારે જહેમત ઉઠાવી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે, રાત્રે ૦૮:૩૦ વાગ્યે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની કે ઈજાના સમાચાર નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.