પાંચ દિવસ ચાલનારા બુક ફેરમાં મોરબીની વાંચન પ્રેમી જનતાને પધારવા મોરબી મનપાની અપીલમોરબી: શહેરી વિકાસ વર્ષ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા વાંચન પ્રેમીઓ માટે ભવ્ય બુક ફેર ‘પુસ્તકોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ મોરબીના મણી મંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે આ બુક ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બુક ફેર 7 થી 11 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેમાં વાચકો માટે વિવિધ વિષયોના 20 હજારથી વધુ પુસ્તકો મળી રહેશે. આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, આજે મહાનગરપાલિકા આયોજિત પ્રથમ બુકફેરનું મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું. આ ઉદઘાટન પ્રસંગે ચારેક શાળાના બાળકો પણ જોડાયા હતા. આ બુકફેરનો લાભ મોટી સંખ્યામાં મોરબી વાસીઓ લે તેવી અપીલ છે. આ બુક ફેરમાં બાળ સાહિત્ય, હિન્દુ, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય સહિતના સાહિત્યો વાચકોને મળી રહેશે. આ બુક ફેરમાં 20 હજારથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે. 5 જેટલા પ્રકાશનો પણ આ બુક ફેરમાં જોડાયા છે. પાંચ દિવસ ચાલનારા આ બુક ફેરમાં વધુ ને વધુ લોકો લાભ લે તેવી અપીલ કરાઈ છે.મુખ્ય આકર્ષણો:આ પુસ્તકોત્સવમાં વિવિધ વિષયોના 20 હજારથી વધુ પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ રહેશે, જેમાં મુખ્યત્વે:- નર્મદા પબ્લિકેશન: બાળ સાહિત્ય, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સાહિત્યના 4000 પુસ્તકો. - ગૂર્જર સાહિત્ય પ્રકાશન: ગુજરાતી સાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, નવલકથાઓ અને બાળ સાહિત્યના 2000 પુસ્તકો. - અખિલ વિશ્વ સાહિત્ય પરિવાર: ધાર્મિક અને હિન્દી સાહિત્યના 3000 પુસ્તકો. - મોરબી મહાનગરપાલિકા (MMC): ગ્રંથમાળા, ઐતિહાસિક પુસ્તકો અને ભારતના મહાન નેતાઓની માહિતી આપતા 2000 પુસ્તકો. - વિશેષ આકર્ષણ: પુસ્તકોની સાથે નિરાલી પ્રજાપતિનું વિશેષ આર્ટ એક્ઝિબિશન પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.