મોરબી: કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વિવિધ ઔદ્યોગિક એસોસિએશનો સાથે એક ઉચ્ચ સ્તરીય 'ઓપન હાઉસ' મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં સિરામિક, મરિન સોલ્ટ, GIDC અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ ઉદ્યોગોને નડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆતો કરી હતી. સિરામિક ઉદ્યોગ: GST અને જંત્રીના દરોમાં રાહતની માંગમોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા મુખ્યત્વે ટેક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે રજૂઆત કરવામાં આવી હતી:- ગુજરાત ગેસને GSTના દાયરામાં લાવવા માંગ કરાઈ જેથી ઉદ્યોગકારોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળી શકે. - SGSTની ડીવિઝન ઓફિસ જે હાલ ગાંધીધામ ખાતે છે તેને ફરી મોરબીમાં કાર્યરત કરવા વિનંતી કરી. - સિરામિક ફેક્ટરીઓના શેડ માટે જંત્રીનો દર ખૂબ ઊંચો હોવાથી તેને વાસ્તવિક બાંધકામ ખર્ચ મુજબ કરવા અને ઇન્કમ ટેક્સના નિયમ મુજબ વાર્ષિક ૧૦% ઘસારો ગણવા રજૂઆત કરી. - ચાઇનાની સરખામણીએ વીજળીનો ખર્ચ વધુ હોવાથી તેમાં ઘટાડો કરવો અનિવાર્ય હોવાનું જણાવ્યું. મરિન સોલ્ટ: અગરીયાઓ માટે પાણી અને રસ્તાની પાયાની જરૂરિયાતમરિન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા મીઠાના ઉદ્યોગ અને શ્રમિકોના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા:- લવણપુર અને નવલખી જેવા રણ વિસ્તારોમાં અગરીયાઓ માટે પીવાના પાણીની પાઈપલાઈન નાખવા અને ટેન્કરની વ્યવસ્થા કરવા માંગ કરી. - મીઠાના પરિવહન માટે રણ વિસ્તારમાં કાચા રસ્તાઓને બદલે પાકા ડામર રોડ બનાવવાની માંગણી દોહરાવી. - મીઠાના નિકાસ માટે જેટીનું બાંધકામ અને ભાડાપટ્ટા સમયસર રિન્યુ કરવા બાબતે સરકારનું ધ્યાન દોર્યું. GIDC અને MSME: નવી સુવિધાઓ અને સબસિડીના પ્રશ્નોGIDC એસોસિએશન અને અન્ય ઉદ્યોગ જૂથોએ માળખાગત સુવિધાઓ અંગે રજૂઆત કરી:- ટ્રાફિક સમસ્યા: GIDC વિસ્તારમાં ટ્રાફિકના કાયમી ઉકેલ માટે ટ્રાન્સપોર્ટ નગર અને રીંગ રોડ બનાવવાની દરખાસ્ત મૂકી. - નવી પાનેલી GIDC: અહીં પાણીની વ્યવસ્થા, ડ્રેનેજ લાઈન, ફાયર સ્ટેશન, અને સિરામિક રિસર્ચ-ટ્રેનિંગ સેન્ટર જેવી સુવિધાઓ ઉભી કરવા માંગ કરી. - SIT ની કામગીરી: બાકી લેણાંની વસૂલાત માટે બનેલી SITની સુવિધા માત્ર સિરામિક પૂરતી મર્યાદિત ન રાખી તમામ સેક્ટરને તેનો લાભ આપવા વિનંતી કરી. - પેન્ડિંગ સબસિડી: MSME એકમોની વ્યાજ સબસિડી અને અન્ય અરજીઓ જે લાંબા સમયથી પેન્ડિંગ છે તેનો ઝડપી નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી. મોરબી ચેમ્બર ઓફ કોમર્સની મહત્વની માંગણીઓઆ મિટિંગમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિતમાં પણ કેટલાક પાયાના પ્રોજેક્ટ્સની માંગ કરવામાં આવી છે:- નવલખી-કંડલા સમુદ્ર સેતુ: નવલખી બંદરથી કંડલા બંદર વચ્ચે 13 કિમીનો સમુદ્ર સેતુ બનાવવાની માંગ કરાઈ છે, જે હાલના 147 કિમીના રોડ અંતરને ઘટાડી પરિવહન સસ્તું અને ઝડપી બનાવશે.- નેશનલ હાઈવેનું વિસ્તરણ: સામખિયાળીથી ચોટીલા બાઉન્ડ્રી સુધીના હાઈવેને સિક્સ-લેનમાં કન્વર્ટ કરવા અને માળીયા-વાંકાનેર વચ્ચે વધુ ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરાઈ છે.આ બેઠકમાં વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોરબીમાં સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (C.G.C.R.I) સ્થાપવા અને હીરાસર એરપોર્ટ કનેક્ટિવિટી માટે કુવાડવા બ્રિજ વહેલી તકે પૂર્ણ કરવા માંગ કરી હતી. પ્રભારી મંત્રીએ તમામ રજૂઆતો સાંભળીને સરકાર સ્તરે યોગ્ય ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી. મિટિંગ બાદ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાનું નિવેદન:બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે:- લોકશાહીની પરંપરા: વહીવટી તંત્ર અને ઉદ્યોગ સાહસિકો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવા માટે આ 'ઓપન હાઉસ'નું આયોજન કરવામાં આવ્યું છે.- પ્રશ્નોનું નિરાકરણ: બેઠકમાં અંદાજે 36 જેટલા વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા, જેમાં GIDC, રસ્તાઓ, સિરામિક ઉદ્યોગ અને બંદર-જેટીના વિકાસના પ્રશ્નો મુખ્ય હતા.- તબક્કાવાર આયોજન: આગામી દિવસોમાં પણ દર મહિને અથવા સમયાંતરે વિભાગવાર આવા 'ઓપન હાઉસ' યોજાશે જેથી ઉદ્યોગોના વિકાસ માટે સરકારની નીતિ-રીતિ મુજબ ઝડપી ઉકેલ લાવી શકાય.સિરામિક એસો. પ્રમુખ મનોજભાઈ પટેલનું નિવેદન:મીડિયા સાથેની વાતચીતમાં સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે ઉદ્યોગની વર્તમાન કટોકટી અંગે ભાર મૂકતા જણાવ્યું કે:- જંત્રી દરનો પડકાર: ઇન્ડસ્ટ્રીઝમાં સિમેન્ટ શીટવાળા શેડની જંત્રી ખૂબ વધારે છે, જેના કારણે જૂના એકમોના વેચાણમાં મુશ્કેલી પડે છે. અમે રજૂઆત કરી છે કે જંત્રી અને ઘસારાનો દર ઇન્કમ ટેક્ષના નિયમો મુજબ રાખવામાં આવે.- શ્રમિકો માટે સુવિધા: ઉદ્યોગમાં કામ કરતા મજૂરો માટે શુદ્ધ પીવાનું પાણી અને ફેક્ટરીઓ માટે વપરાશના પાણીની વ્યવસ્થા કરવા પણ માંગ કરી છે.- સરકાર પાસેથી અપેક્ષા: અગાઉ મુખ્યમંત્રી અને હવે પ્રભારી મંત્રીને રજૂઆત કર્યા બાદ અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં રિવ્યુ મિટિંગ યોજીને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.આ બેઠકમાં મંત્રી ઉપરાંત કલેકટર કિરણ ઝવેરી, કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકરી એન.એસ. ગઢવી, જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તેમજ તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.