મોરબી: મોરબી શહેરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ (NEGS) ના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને જીવન બચાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ એવી CPR (કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન) પદ્ધતિ અને અન્ય સામાજિક મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.આ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક, સંગીતમય પ્રસ્તુતિ અને CPR ના જીવંત પ્રદર્શન દ્વારા નાગરિકોને આ ટેકનિકનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અચાનક હૃદયરોગના હુમલા (Cardiac Arrest) સમયે જો યોગ્ય રીતે CPR આપવામાં આવે, તો વ્યક્તિના બચવાની શક્યતા ત્રણ ગણી વધી જાય છે. આંકડાકીય માહિતી આપતા તેમણે સમજાવ્યું કે CPR વગર દર મિનિટે બચવાની શક્યતામાં 10 ટકા નો ઘટાડો થાય છે, જેનાથી સમયસરની મદદનું મહત્વ સ્પષ્ટ થાય છે.પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ સરળ ભાષામાં સમજાવ્યું કે CPR આપતી વખતે દર મિનિટે 100 થી 120 કમ્પ્રેશન આપવા જોઈએ. આ સાથે જ શ્વાસ અને કમ્પ્રેશન વચ્ચેના સંતુલનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. મોરબીના અલગ-અલગ વિસ્તારોમાં ફેલાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈ રહ્યા છે અને જીવન રક્ષક માહિતી મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓની આ અસરકારક રજૂઆતથી સામાન્ય લોકોમાં આવી કટોકટીની સ્થિતિ સામે લડવાનો આત્મવિશ્વાસ વધ્યો છે.ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા શરૂ કરવામાં આવેલું આ અભિયાન આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. શાળાનું માનવું છે કે માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં માનવતા, સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીના ગુણો વિકસે તે પણ જરૂરી છે. આ કાર્યક્રમ દ્વારા શાળાએ સમાજ માટે ઉપયોગી અને જવાબદાર નાગરિકો ઘડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.