ઘુંટુ નજીક ટાઇલ્સ જોવાના બહાને ક્રેટા કારમાં આવેલ ત્રણ શખ્સોએ યુવકના માતાને પતાવી દેવાની ધમકી આપી મોરબી : મોરબીના ઘુંટુ રોડ પર ટાઇલ્સ કટિંગનું કારખાનું ધરાવતા યુવકે મોરબીની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લેતા આ બાબતનો ખાર રાખી યુવતીના પિતા, કૌટુંબિક કાકા અને ફુવાએ સાથે મળી યુવકનું ક્રેટા કારમાં અપહરણ કરી યુવકના ઘેર લઈ જઈ યુવકના માતાને જાનથી મારી નાખવા ધમકી આપતા પ્રેમપ્રકરણ બાદ કોર્ટમેરજનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા બિન્ટુ રજનીકાંતભાઈ ગામી ઉ.26 નામના યુવકે આરોપી શૈલેષભાઇ જસમતભાઈ દેલવાણીયા, અજયભાઈ અને અનિલભાઈ નામના ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે ફરિયાદી પોતાના ટાઇલ્સ કારખાને હાજર હતા ત્યારે આરોપીઓ જીજે - 36 - એસી - 7822 નંબરની ક્રેટા કાર લઈને ટાઇલ્સ જોવાના બહાને આવ્યા હતા.બાદમાં ગાડીમાંથી ધોકા કાઢી ફરિયાદીને કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા અને આરોપી શૈલેષભાઇએ કહ્યું હતું કે, તું કેમ મારી દીકરી મીનલ સાથે ફોનમાં વાત કરે છે.જેથી બિન્ટુએ મીનલ સાથે પ્રેમ હોય કોર્ટ મેરેજ કરી લીધાનું જણાવ્યું હતું.બાદમાં આરોપીઓ બિન્ટુને તેના ઘેર લઈ ગયા હતા જ્યાં બિન્ટુના માતાને જાનથી મારી નાખવા ધમકી આપતા પ્રેમપ્રકરણનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.