પુલનું મરામત કામ તાત્કાલિક પૂર્ણ કરવા અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા કલેક્ટરને રજૂઆત: કાર્યવાહી ન થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી મોરબી: મોરબી શહેરની જીવાદોરી સમાન અને મુખ્ય માર્ગ પર આવેલો પાડા પુલ હાલ અત્યંત બિસ્માર અને જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે. આ બાબતે શહેરના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા અને દેવેશભાઈ રાણેવાડીયા સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, એક મહિના અગાઉ પુલનું સમારકામ શરૂ કરાયું હતું, જે તિરાડો ખોદીને રાખી છે, એક મહિનાનો સમય વીત્યા છતાં હજુ કોઈ કામગીરી કરવામાં ન આવતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.ટ્રાફિક જામ અને સ્વાસ્થ્ય પર અસરપુલ પર પડેલી મોટી તિરાડો અને ખાડાઓને કારણે વાહનો અત્યંત ધીમી ગતિએ ચલાવવા પડે છે, જેનાથી પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. સતત ઉબડખાબડ રસ્તા પર અવરજવર કરવાને કારણે નાગરિકોને કમર અને મણકાની તકલીફો તેમજ વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે. તેમજ જો કોઈ વાહનચાલક વાહન પરથી પટકાય તો ગંભીર ઈજા કે હેમરેજ જેવી જીવલેણ દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જો કમનસીબે આવી ઘટના બને તો જવાબદારી તંત્રની રહેશે તેવું આવેદનમાં જણાવાયું છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાને પણ જાણ કરવામાં આવી છે.ડાયવર્ઝન આપવા અને આંદોલનની ચીમકીસામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે, જનહિતમાં પાડા પુલ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરી તેને મયુર પુલ અથવા નીચેના બેઠા પુલ પર ડાયવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મરામત કાર્ય પૂર્ણ કરવામાં નહીં આવે, તો સ્થાનિક નાગરિકો અને કાર્યકરો દ્વારા ‘રસ્તા રોકો આંદોલન’ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેની સંપૂર્ણ જવાબદારી મોરબી મહાપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની રહેશે તેવું આવેદનમાં સ્પષ્ટ જણાવાયું છે.