મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર રોડ ખાતેની મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) ના 336 આવાસો માટે નિયમ અનુસાર નવી અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, સરકાર દ્વારા વર્ષ-2017 માં મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અમલમાં આવી હતી, જે અંતર્ગત લીલાપરના સર્વે નંબર 1116 ની જગ્યામાં 400 આવાસ નિર્માણ થયેલ હતા. આ નિર્માણ થયેલા આવાસનો વખતો-વખત ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો. જે પૈકી ફાળવેલ આવાસનો લાભાર્થી સિવાયના અન્ય આસામી દ્વારા કબ્જો કરાયો હોય/લાભાર્થી દ્વારા આવાસ કાયમી ઉપયોગમાં લેવામાં આવેલ ન હોય અથવા તો આવાસની પૂરેપૂરી રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોઇ તેવી તમામ બાબતોને ધ્યાને લેતા અગાઉ વર્ષ-2017 માં બનેલા 400 આવાસનો રી-સર્વે કરી 336 આવાસો સક્ષમ કક્ષાની મંજૂરી અન્વયે રદ કરવામાં આવશે અને રદ થયેલ આવાસો માટે નવી અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા કાર્યરત કરવામાં આવી છે.નવી રજૂ થનાર અરજીઓ માટે નિયમ અનુસારની પ્રક્રિયા હાથ ધરીને 336 આવાસની પુનઃ ફાળવણી સરકારના ધારા-ધોરણ મુજબ કરવામાં આવશે. આથી મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ ઘર-વિહોણા શહેરીજનો મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) હેઠળના EWS-1 પ્રકારના આવાસ મેળવવા અરજી અને રજીસ્ટ્રેશન કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.ઉપરોક્ત વિગતે IHSDP યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદારોએ તારીખ 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગમાં અરજી અને સંલગ્ન ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે તેમ મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.