1લી ફેબ્રુઆરીથી ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ઓનલાઈન નોંધણીનો પ્રારંભ: ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે થશે રજીસ્ટ્રેશનપોષણક્ષમ ટેકાના ભાવે અનાજની ખરીદી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાતમોરબી: ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ રૂ. 2585 પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા આશય સાથે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. દ્વારા મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા અંતર્ગત ખેડૂતોએ પોતાના ઉત્પાદનનું વેચાણ કરવા માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.મોરબી જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તા. 01/02/2026 થી 01/03/2026 સુધી સમગ્ર જિલ્લામાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે કરવામાં આવશે. ખેડૂતોએ નોંધણી માટે જરૂરી આધાર પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12, 8-અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8-અ માં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામની બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક સાથે લાવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ખેડૂત ખાતેદારોની નોંધણી અને જથ્થાની ખરીદી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિ દ્વારા જ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી છે.નોંધણી કરાવેલ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી અંગેની જાણ SMS મારફતે કરવામાં આવશે. ઘઉંની ખરીદીનો સમયગાળો તા. 04/03/2026 થી 15/05/2025 નક્કી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ખેડૂતોએ ખરીદી સમયે પોતાનું આધાર કાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. જો દસ્તાવેજ ચકાસણી દરમિયાન કોઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે, તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે. નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી કે માર્ગદર્શનની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મોરબીના નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.