ટંકારા : આજરોજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આગેવાની હેઠળ વીજ લાઈનના પ્રશ્નને લઈને ખેડૂતોની વિશાળ સભા ટંકારા ખાતે મળી હતી. સભા પૂર્ણ થયા બાદ ટંકારાથી આશરે 300 થી વધુ ટ્રેક્ટરો લઈને ખેડૂતો મોરબી કલેકટર કચેરીએ રજૂઆત કરવા માટે નીકળ્યા છે. હાઇવે પર શિસ્તબદ્ધ રીતે ટ્રેક્ટરો રેલી સ્વરૂપે નીકળી ચૂક્યા છે. જેમાં સૌપ્રથમ ટ્રેક્ટરમાં ખેડૂત નેતા લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલીયા સહિતના લોકો સવાર થયા છે. જ્યારે પાછળ મોટી સંખ્યામાં અન્ય ખેડૂતો ટ્રેક્ટર લઈને રેલીમાં જોડાયા છે.આ રેલી હાલ મોરબી શહેર તરફ આગળ વધી રહી છે. જોકે પોલીસ દ્વારા આ રેલીને મંજૂરી આપવામાં નથી આવી. ત્યારે આ ટ્રેક્ટર સાથેની રેલી મોરબી શહેરમાં પ્રવેશે છે કે કેમ તે જોવાનું રહેશે.