મોરબીના કાંતિલાલભાઈ જેઠલોજા મૃત્યુ બાદ પણ અન્યોને નવજીવન આપતા ગયામોરબી : મૂળ પીપળીના વતની અને હાલ મોરબી રહેતા કાંતિલાલભાઈ સવજીભાઈ જેઠલોજા બ્રેઈન ડેડ થવાથી તેઓનું મૃત્યું થયું હતું. જો કે મૃતક કાંતિલાલભાઈ જેઠલોજા અન્ય લોકોને નવજીવન આપતા ગયા છે. પરિવાર દ્વારા તેમના લીવર અને બંને કીડનીનું દાન કરવામાં આવ્યું છે. જેનાથી અન્ય દર્દીઓને નવજીવન મળશે.લીવર અને કીડનીનું કરાયું દાનમળતી વિગતો પ્રમાણે મોરબીના રામકો બંગલોની પાછળ નંદનવન પાર્ક ખાતે ઓપેરા સ્ક્વેરમાં રહેતા 61 વર્ષીય કાંતિલાલભાઈ સવજીભાઈ જેઠલોજા અચાનક ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જો કે ત્યાં હાજર તબીબોએ કાંતિલાલભાઈને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમના પુત્ર નવદીપભાઈ જેઠલોજા સહિતના પરિવારજનોએ મૃતક કાંતિલાલભાઈના અંગોનું દાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય કર્યો હતો અને અન્યોના જીવનમાં પ્રકાશ પાથરવાનો આ નિર્ણય કર્યો હતો. જેથી અમદાવાદથી ખાસ ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને કાંતિલાલભાઈના લીવર અને બંને કીડનીનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગોને ખાસ વાહનમાં તાત્કાલિક અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. આ અંગો અન્ય દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને તેઓને નવજીવન બક્ષવામાં આવશે.દેશમાં હાલ 5 લાખથી વધુ લોકોને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જરૂરઓર્ગન ઈન્ડિયાના એક સર્વે મૂજબ દેશમાં હાલ 5 લાખથી વધુ લોકોને અંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. જેમાંથી 2 લાખથી વધુ દર્દીઓને કિડનીની જરૂરિયાત છે. 50 હજારથી વધુ દર્દીઓને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે. 50 હજારથી વધુ દર્દીઓને લિવરની જરૂરિયાત છે. સમયસર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ન થવાના કારણે દરરોજ 300થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે જો એક વ્યક્તિ અંગદાન કરે તો તેના અંગો થકી 8 જિંદગી બચાવી શકાય છે.