ખેડૂતો જાગૃત થતાં અગાઉ જે કંપની થાંભલો નાખવાના 5-6 લાખ આપતી હતી તે હવે 25 લાખની ઓફર કરે છે- પાલભાઈ આંબલિયાટંકારા : વીજલાઈનના પ્રશ્ને ટંકારામાં યોજાયેલી ખેડૂતોની મહાસભામાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી અને ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ પોતાના સંબોધનમાં વીજ કંપની અને સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. સરકાર ઉદ્યોગપતિઓ પડખે હોવાનો આરોપ બન્ને નેતાઓએ લગાવ્યો હતો અને ખેડૂતોને ન્યાય અપાવવા હુંકાર કર્યો હતો.જિજ્ઞેશભાઈ મેવાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજળી સરપ્લસ હોવા છતાં સરકાર શા માટે ઉદ્યોગપતિઓની ચાપલુસી કરે છે ? શા માટે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવે છે ? ખેડૂતો અને પીડિતો એક ન થાય તે માટે સરકાર તમને જ્ઞાતિ-જાતિમાં વહેંચી દે છે. હાલ આપણે એટલી જ વાત કરવાની છે કે 2 કરોડ આપો અને ખેતરમાં થાંભલો નાખો. હું આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોને વિધાનસભામાં પણ ઉઠાવીશ તેમ તેઓએ કહ્યું હતું.પાલભાઈ આંબલિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને આગલા દિવસે રાત્રે મેસેજ કરીને જાણ કરવામાં આવી કે, આવતીકાલની સુનાવણી રદ્દ કરવામાં આવી છે. સરકારનો આ ડર અમને ગમ્યો. અહીં આવતા કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટથી આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂતોને પોતાનો હક માગવા જાગૃત કર્યા છે. આગામી દિવસોમાં ખેડૂતોના દીકરાઓ કાયદાઓથી જાગૃત થાય તે માટે બે દિવસનો સેમિનાર પણ યોજવામાં આવશે. પાલભાઈ આંબલિયાએ ભાજપની ભગીની સંસ્થા ભારતીયા કિસાન સંઘને પણ આડેહાથ લીધી હતી. અગાઉ કંપનીઓ જે થાંભલો નાખવાના ખેડૂતોને 5-6 લાખ આપતી હતી તે આજે જાગૃતિના કારણે 25 લાખ સુધીની ઓફર કરી રહી છે. પાલભાઈ આંબલિયાએ ઉપસ્થિત ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આજે જે રેલી નીકળે તેમાં શિસ્તબદ્ધ રીતે આપણે સૌ જઈશું. હાઈવે પર એક ટ્રેક્ટરની પાછળ અન્ય ટ્રેક્ટર રાખીને ચાલીશું. જો પોલીસ મોરબી શહેરમાં પ્રવેશ માટેની મંજૂરી નહીં આપે તો શહેરની બહાર ટ્રેક્ટર રાખીને આપણે કલેક્ટર કચેરીએ પહોંચીશું. અને જો પોલીસ તંત્ર આપણને અહીંથી રેલી શરૂ કરવા નહીં દે તો આપણે સૌ અહીંયા જ ઉપવાસ આંદોલન પર ઉતરીશું. જો આ રેલી પછી સરકાર શાનમાં નહીં સમજે, માર્કેટ ભાવના ચાર ગણું વળતર નહીં આપે, આ વીજ લાઈનના લાયસન્સ રદ્દ નહીં કરે તો આગામી દિવસોમાં ગાંધીનગર વિધાનસભા સુધી જઈશું તેમ જણાવ્યું હતું.