ટ્રાફિક અને વ્યવસ્થા જાળવવા 150થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયોટંકારા : વીજલાઈન મુદ્દે આજે ટંકારાથી નીકળેલી ટ્રેક્ટર સાથેની ખેડૂતોની રેલી મોરબી શહેરમાં રાજપર ચોકડી ખાતે પહોંચી ચુકી છે. ખેડૂતોની રેલીને લઈને મોરબી શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.રેલીને પગલે મોરબી શહેરમાં 2 ડીવાયએસપી, 8 જેટલા પીઆઈ, 15થી વધુ પીએસઆઈ અને 150થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો બંદોબસ્તમાં ગોઠવી દેવાયો છે. જેમાં ટંકારા સભા સ્થળથી લઈને મોરબીના રાજપર ચોકડી અને કલેક્ટર કચેરી સહિતની જગ્યાએ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. રેલીના પગલે મોરબી શહેરમાં ટ્રાફિકજામ ન થાય તે માટે તમામ ટ્રેક્ટરોને રાજપર ચોકડી ખાતે રોકી દેવાયા છે, આ ટ્રેક્ટરોને શનાળાથી રવાપર ઘુનડા જતાં વચ્ચે આવતા એક ગ્રાઉન્ડ ખાતે પાર્ક કરી દેવાયા છે. મર્યાદિત સંખ્યામાં જ ટ્રેક્ટરો સાથે જ ખેડૂતોને કલેક્ટર કચેરી તરફ આગળ વધવા મંજૂરી આપવામાં આવી શકે છે.