ટંકારા: ટંકારા શહેરમાંથી પસાર થતા મુખ્ય માર્ગો પર ભારે વાહનો અને ખાસ કરીને રેતી ભરેલા ડમ્પરો હવે જનતા માટે આફત સમાન બની રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ડમ્પર ચાલક હેવી ટ્રાફિક અને સરકારી નિયમોની ઐસીતૈસી કરીને રોડ પર ખુલ્લેઆમ આતંક મચાવતો જોવા મળી રહ્યો છે.શહેરની વ્યસ્ત એવી લતીપર ચોકડી પાસેથી પસાર થતા એક ડમ્પરની પાછળથી રેતી મિશ્રિત પાણીના રેગાળા સતત રસ્તા પર વેરાઈ રહ્યા હતા. આ દ્રશ્યો જોઈને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ફાળ પડી હતી. જો આ ભીની રેતી અને કાદવ પાછળ આવતા કોઈ ટુ-વ્હીલર સવાર પર પડે, તો ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. રેતી વેરાવાને કારણે રસ્તો લપસણો બની રહ્યો છે, જે વાહનચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે.સરકારના સ્પષ્ટ આદેશ છે કે રેતી કે અન્ય મટીરીયલ ભરીને જતા વાહનોએ તેને તાડપત્રી કે અન્ય સાધનોથી યોગ્ય રીતે ઢાંકીને લઈ જવું જોઈએ. જોકે, ટંકારામાં આ પરિપત્રનો સરેઆમ ઉલાળીયો થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ જોખમી ડમ્પરો પોલીસ સ્ટેશનની બિલકુલ સામેથી પસાર થાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું આ ડમ્પર ચાલકો પોલીસ માટે 'મિસ્ટર ઈન્ડિયા' બની ગયા છે કે તંત્ર જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે?સ્થાનિકોની માંગ કરી રહ્યાં છે કે, ભારે વાહનો દ્વારા ફેલાવવામાં આવતી આ ગંદકી અને જોખમ સામે પોલીસ અને આર.ટી.ઓ. (RTO) કડક હાથે કામ લે તેવી તાતી જરૂરિયાત છે, જેથી કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય.