મોરબી: શહેરના રહેવાસીઓ માટે વહીવટી પ્રક્રિયા વધુ સરળ બનાવતા મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવેથી બાળકના જન્મના પ્રમાણપત્રમાં પૂરું નામ લખવા કે સુધારો કરવા માટે વાલીઓએ સિવિક સેન્ટરના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. શું છે નવી વ્યવસ્થા?તાજેતરમાં સરકાર દ્વારા જન્મ-મરણની નોંધણી માટેનું 'ઈ-ઓળખ' પોર્ટલ બંધ કરવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે હવે CRS પોર્ટલ દ્વારા ઓનલાઈન સુધારાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે બાળકોનો જન્મ ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ પહેલા થયેલ હોય, તેમના વાલીઓ આ પોર્ટલનો ઉપયોગ કરી શકશે. સુધારા માટેની ઓનલાઈન પ્રક્રિયા:વાલીઓ ઘરે બેઠા કે ઓફિસથી નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને સુધારો કરી શકે છે: વેબસાઈટ: dc.crsorgi.gov.in/crs/ પર જઈને લોગીન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન: માતા અથવા પિતાના નામનું આઈડી બનાવી લોગીન કરવું. પ્રોફાઈલ અપડેટ: પ્રોફાઈલ અપડેટ કરી સહી અપલોડ કરવી. ઇવેન્ટ સિલેક્શન: 'બર્થ ઇવેન્ટ' માં જઈ 'એડ ઓલ્ડ બર્થ ઇવેન્ટ' (Add Old Birth Event) વિકલ્પ પસંદ કરવો. દસ્તાવેજો: જરૂરી વિગતો ભરીને જૂનો જન્મનો દાખલો અને માતા-પિતાના આધાર કાર્ડ અપલોડ કરવાના રહેશે. આ ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખરાઈ કરીને નવા ફોર્મેટમાં બાળકના પૂરા નામ વાળો દાખલો અરજદારને મળી જશે. મોરબી મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખા દ્વારા આ સુવિધાનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.