મોરબી: મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પશુચોર ગેંગ સક્રિય બનતા માલધારી પરિવારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વનાળિયા (શારદાનગર), મોડપર અને કુંતાશી જેવા ગામોમાં રાત્રિના સમયે ત્રાટકતી આ ગેંગ ઘેટા-બકરા જેવા પશુઓની ચોરી કરી રહી છે. આ અંગે સામાજિક કાર્યકર રમેશ બી. રબારી દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, સ્થાનિક માલધારીઓ તેમજ કચ્છ બાજુથી પશુ ચરાવવા આવતા પરિવારો ખેતરોમાં દંગા નાખીને રહેતા હોય છે. આ પશુચોર ગેંગ નંબર પ્લેટ વગરની ફોર-વ્હીલ ગાડીઓ લઈને આવે છે અને પશુઓની ચોરી કરીને ફરાર થઈ જાય છે. માલધારીઓને માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ જાનમાલનું પણ જોખમ છે; જો કોઈ આ ગેંગનો સામનો કરે તો જીવલેણ હુમલો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.આ અંગે માંગ કરવામાં આવી છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. જે વિસ્તારોમાં ચોરી થઈ છે ત્યાંના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ટાવર લોકેશનની તપાસ કરી તસ્કરોને ઝડપી પાડવામાં આવે. આ ઉપરાંત, પશુચોરીના કિસ્સામાં જે-તે પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ પણ એસ.પી.ને કરવામાં આવી છે.