મોરબી : આજે ભગવાન વિશ્વકર્મા જયંતી નિમિત્તે મોરબી શહેરમાં ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બગીમાં ભગવાન વિશ્વકર્મા બિરાજમાન થઈ નગરજનોને દર્શન આપવા નીકળ્યા હતા. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતી ઉજવી હતી.આ અંગે દિલીપભાઈએ જણાવ્યું હતું કે, મહા સુદ-13ના દિવસે દેશભરમાં વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે મોરબી ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા મોરબી શહેરના માર્ગો કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા વિશ્વકર્મા મંદિરથી ગ્રીન ચોક, નહેરુ ગેઈટ, શાક માર્કેટ, રવાપર થઈ વાઘપરા થઈ ભવાની ચોક પાસે આવેલા વિશ્વકર્મા ભગવાનના મંદિરે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાઆરતીનું આયોજન કરાયું હતું. વિશ્વકર્મા જયંતી નિમિત્તે મંદિરે ધ્વજારોહણ કરાયું હતું અને બપોરે સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. આ ઉપરાંત તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું અને રમત-ગમતમાં સિદ્ધિ મેળવનારાઓનું સન્માન, રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું.