મોરબી : GUJCOST દ્વારા આયોજિત National STEM Quiz 4.0 અંતર્ગત ભુજ સ્થિત રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલી ઝોન કક્ષાની સ્પર્ધામાં સાર્વજનિક હાઈસ્કૂલ, ખાખરેચીના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં શાળાના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ પોતાની જગ્યા નિશ્ચિત કરીને માળીયા તાલુકાનું નામ રોશન કર્યું છે.માધ્યમિક વિભાગ (જુનિયર લેવલ)માં ધોરણ-10ના વિદ્યાર્થીઓ ગીતા સુરેશભાઈ જશાપરા અને કર્તવ્ય પ્રફુલભાઈ ગોહિલ રાજ્યકક્ષા માટે પસંદ થયા છે. તેવી જ રીતે, ઉચ્ચમાધ્યમિક વિભાગ (સિનિયર લેવલ)માં ધોરણ-11ના વિદ્યાર્થીનીઓ અક્ષી હિતેન્દ્રભાઈ વિડજા અને મૈત્રી મહેશભાઈ ઉનાલીયાએ શ્રેષ્ઠ દેખાવ કરી આગામી સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે.વિદ્યાર્થીઓની આ સફળતાને શાળા પરિવાર અને ગ્રામજનોએ હર્ષભેર વધાવી લીધી છે. આચાર્ય મેહુલભાઈ ભોરણીયા અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ મેળવેલી આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણારૂપ બનશે. રાજ્યકક્ષાની આગામી સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓ ઝળકે તેવી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.