મોરબી: તારીખ 30 જાન્યુઆરી, 2026ના રોજ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે મોરબી જિલ્લા ક્ષય અને રક્તપિત્ત કેન્દ્ર ખાતેથી 'સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન'નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે આ અભિયાન 'Ending Discrimination, Ensuring Dignity' (ભેદભાવનો અંત અને પ્રતિષ્ઠાની સુનિશ્ચિતતા) થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યું છે. ગાંધીજીના નિર્વાણ દિનથી શરૂ કરી આગામી 13 ફેબ્રુઆરી સુધી 'એન્ટી લેપ્રસી પખવાડિયા' તરીકે આ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ઉપસ્થિત તમામ લોકો દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટેની પ્રતિજ્ઞા સાથે કરવામાં આવી હતી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પી. કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય/રક્તપિત્ત અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રક્તપિત્ત વિશેની સાચી માહિતી અને સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પિયુષભાઈ જોષીએ રોગના લક્ષણોને વહેલા ઓળખવા અને તેની કાળજી રાખવા બાબતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે રક્તપિત્તના દર્દીઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓને અલ્સર કીટ અને MCR શૂઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રે લોકોને અપીલ કરી હતી કે રક્તપિત્તના દર્દીઓ પ્રત્યે ભેદભાવ ન રાખવો અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પેરામેડિકલ વર્કર ધર્મેન્દ્રભાઈ વાઢેર, પિયુષભાઈ જોષી અને DTC સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.