34 ખાણી પીણીની દુકાનમાં ચેકીંગ કરાયું: સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ મોરબી: મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ-ફરસાણના વિક્રેતાઓ અને ડેરી સંચાલકોને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન લાયસન્સ અને સ્વચ્છતાના ધોરણોનો અભાવ જણાતા 15 જેટલા વેપારીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.દૂધના સેમ્પલ અને અખાદ્ય સામગ્રીનો નાશમનપાની ટીમે શહેરની જાણીતી મોમાઈ ડેરી, ખોડિયાર ડેરી અને મોમાઈ ડેરી એન્ડ બેકરી પર જઈને દૂધના નમૂના લીધા હતા, જોકે પ્રાથમિક તપાસમાં ત્યાં કોઈ શંકાસ્પદ બાબત જણાઈ ન હતી. બીજી તરફ, મીઠાઈ-ફરસાણની દુકાનોમાં તપાસ દરમિયાન આશરે 500 કિલોગ્રામ જેટલો અખાધ કલર મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.વેપારીઓને કડક સૂચનાતંત્ર દ્વારા શહેરના તમામ ખાણી-પીણીના ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવી છે કે જેઓ પાસે ફૂડ લાયસન્સ નથી, તેઓએ તાત્કાલિક ઓનલાઇન પ્રક્રિયા કરી લાયસન્સ મેળવી લેવું. વધુમાં, સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. જો આગામી સમયમાં લાયસન્સ કે સ્વચ્છતામાં ક્ષતિ જણાશે, તો મહાનગરપાલિકા દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.