ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ માટે તાલુકાએ ધક્કા નહીં ખાવા પડેમોરબી: મોરબી જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામની મંજૂરી આપવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ, હવે ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામની પરવાનગી આપવાની સત્તા જે-તે ગ્રામ પંચાયતને પરત સોંપવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રામ્ય સ્તરે વહીવટી પ્રક્રિયા વધુ સરળ બનશે તેમ જણાવાયું છે.દોઢ વર્ષમાં કરાયેલા ત્રણ પરિપત્ર રદ્દઅગાઉ જિલ્લા પંચાયત દ્વારા જુદા-જુદા સમયે બાંધકામ પરવાનગી અંગે કેટલાક નિયમો અને સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જેતે વખતે સરકારના પરિપત્રનો અમલ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ પરવાનગીની મંજૂરી તાલુકા પંચાયતના એન્જિનિયર પાસેથી લેવાનો હુકમ કર્યો હતો. આ મુદ્દો છેલ્લી બે સામાન્ય સભામાં ભારે ગાજ્યો હતો અને સભ્યો અને ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ પરિપત્ર રદ્દ કરવા માંગ ઉઠી હતી. ગત તા, 2 જાન્યુઆરી 2026 ના રોજ મળેલી સામાન્ય સભામાં ભાજપ - કોંગ્રેસના સભ્યો દ્વારા ઠરાવ નંબર 256 થી અગાઉની તમામ વિવાદાસ્પદ સૂચનાઓ અને પરિપત્રોને બહુમતીથી રદ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ અનુસંધાને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીએ બાંધકામ પરવાનગીને લઈ છેલ્લા દોઢ વર્ષમાં કરવામાં આવેલા ત્રણ પરિપત્ર રદ્દ કરી દેવામાં આવ્યા છે.હવે બાંધકામની મંજૂરી આપવાની સત્તા ગ્રામ પંચાયતનીજિલ્લા વિકાસ અધિકારીએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ને સૂચના આપી છે કે ગુજરાત પંચાયત અધિનિયમ- 1993ની કલમ 104 મુજબ, ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામ મંજૂરી આપવાની સત્તા ગ્રામ પંચાયતની છે. આથી, હવેથી ગ્રામ પંચાયતોએ નિયમો મુજબ પોતાની કક્ષાએથી જ પરવાનગી આપવાની રહેશે. આ નિર્ણયથી ગ્રામજનોને બાંધકામ માટે તાલુકા કક્ષાએ લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.