મોરબી: (મોરબી અપડેટ) મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહીએ આજે રાજકીય અને સામાજિક ગરમાવો લાવી દીધો છે. વેપારીઓના આંદોલનને કોંગ્રેસ બાદ હવે ભાજપના અગ્રણી અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલનું પણ મજબૂત સમર્થન મળ્યું છે. જ્યારે વેપારીઓએ જો મહાનગર પાલિકાના અધિકારીઓ સ્થળ પર આવી તેમની રજૂઆત નહીં સાંભળે તો મોરબી બંધના એલાનની પણ ચીમકી ઉચ્ચારી છે.'કમિશનર ન આવે ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે' : જયંતીભાઈ પટેલઆંદોલન સ્થળે પહોંચેલા જયંતીભાઈ પટેલે મહાનગરપાલિકાની કામગીરી સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, 'વેપારીઓને મહાનગરપાલિકા દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. રસ્તા પર નડતરરૂપ ન હોય તેવો સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે, જે અન્યાયી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે હું સંપૂર્ણપણે વેપારીઓની સાથે છું. જ્યાં સુધી કમિશનર જાતે સ્થળ પર આવીને વેપારીઓની રજૂઆત નહીં સાંભળે, ત્યાં સુધી આ ચક્કાજામ આંદોલન સમેટાશે નહીં.'વેપારીઓની મક્કમતા: સામાન પરતની માંગતખ્તસિંહજી રોડના વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પાલિકાના અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલો માલ તાત્કાલિક પરત કરવામાં આવે અને ભવિષ્યમાં આવી હેરાનગતિ નહીં થાય તેવી લેખિત કે મૌખિક ખાતરી આપવામાં આવે, તો જ તેઓ રસ્તા પરથી હટશે.પોલીસ દ્વારા ટ્રાફિક કંટ્રોલના પ્રયાસોચક્કાજામના કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે મોરબી 'એ' ડિવિઝન પીઆઇ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ચક્કાજામ સ્થળે હાજર છે. લોકોની સુવિધા માટે પોલીસે તખ્તસિંહજી રોડ તરફ આવતા ટ્રાફિકને અન્ય વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી વાહનચાલકોની પરેશાની ઓછી કરી શકાય.મહાનગર પાલિકા અધિકારીઓ નહીં આવે તો 'મોરબી બંધ'નું એલાન, વેપારીઓની આખરી ચીમકીમોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝૂંબેશ સામેનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. તખ્તસિંહજી રોડ પર ચક્કાજામ કરીને બેઠેલા વેપારીઓએ હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં તંત્રને મોટી ચેતવણી આપી છે. ચક્કાજામ કરી રહેલા વેપારીઓએ ઉગ્ર સૂરે જણાવ્યું છે કે, 'જો મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને વેપારીઓના પ્રશ્નો નહીં સાંભળે અને જપ્ત કરેલો સામાન પરત નહીં કરે, તો આગામી સમયમાં સમગ્ર મોરબી બંધનું એલાન આપવામાં આવશે.' વેપારીઓના આ આકરા વલણને કારણે હવે આંદોલન વધુ વ્યાપક બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.તંત્ર સામે સંઘર્ષની સ્થિતિએક તરફ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ વેપારીઓના પક્ષમાં ઉભા રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાના કમિશનર આ મામલે શું નિર્ણય લે છે અને સ્થળ પર આવશે કે કેમ, તે જોવું રહ્યું. મોરબીના સમાચાર સૌથી ઝડપથી મેળવવા માટે જોતા રહો 'મોરબી અપડેટ'.#MorbiUpdate #JayantibhaiPatel #ChamberOfCommerce #MorbiProtest #MorbiNews #BreakingNews #TrafficUpdate #MorbiNagarpalika