માલિકોએ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવીને યુઝર આઈ-ડી અને પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશેમોરબી : મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા-મીઠાની મોટાપાયે આયાત-નિકાસ થાય છે, મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જેમાં દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવર-જવર ચાલુ રહે છે. ઉપરાંત લઘુ ઉદ્યોગોમાં મોરબી શહેર મોખરે છે. તેથી સમગ્ર મોરબી જિલ્લામાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે ‘પથિક’ સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવા પડશેઆ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો-ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ નોંધીને અપલોડ કરવાની રહેશે. આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અઘિક્ષકની કચેરી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં એ-વિંગ, ત્રીજો માળ, રૂમ નં.206, એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરીને યુઝર આઈ-ડી અને પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે.ભંગ કરનારને થશે દંડઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું આગામી તારીખ 23-3-2026 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ શિક્ષાને પાત્ર રહેશે.પોલીસને મળી જશે માહિતીઉલ્લેખનીય છે કે ‘પથિક’ (pathik- programme for analysis of travellers and hotel informatics) સોફ્ટવેરની કામગીરી હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટે હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આમ સોફ્ટવેર કોઈપણ નવી હોટલમાં ઇન્સ્ટોલ કરવા માટે જે-તે સ્થળ પર જવાની જરૂર નથી, પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે-તે હોટલની રજીસ્ટ્રેશનને લગતી માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ, યુઝરનેમ અને પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે. જેના કારણે માનવ શક્તિનો ઓછો ઉપયોગ કરીને ટેક્નોલોજીની મદદથી ટૂંકી સમય મર્યાદામાં કોઈપણ ગુન્હો બનતો અટકાવી શકાય છે અથવા બનેલ ગુન્હાના કામે ડીટેકશન કરવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે.