ચેમ્બર પ્રમુખ જયંતીભાઈ પટેલ અને વેપારીઓનું પ્રતિનિધિ મંડળ મહાનગર પાલિકા કચેરીએ પહોંચ્યું : વાટાઘાટો શરૂ, ચક્કાજામ હજુ યથાવત મોરબી: (મોરબી અપડેટ)મોરબીના તખ્તસિંહજી રોડ પર વેપારીઓએ કરેલા ચક્કાજામ બાદ આખરે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. દબાણ હટાવ ટીમના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં વેપારીઓ અને નેતાઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.સ્થળ પર આવેલા અધિકારીઓનો પક્ષ: 'નિયમ મુજબ જ મળશે સામાન'ચક્કાજામના સ્થળે પહોંચેલા મહાનગરપાલિકાના અધિકારીઓએ વેપારીઓને સમજાવતા જણાવ્યું હતું કે, જે માલ જપ્ત કરવામાં આવ્યો છે તેમાં શાકભાજી કે ફ્રુટ જેવો બગડી જાય તેવો સામાન (Perishable items) દંડ ભરીને તાત્કાલિક પરત લઈ શકાય છે. જોકે, અન્ય કાયમી સામાન માટે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે નિયમોનુસાર એક સપ્તાહ બાદ જ દંડ ભરીને સામાન પરત મેળવી શકાશે.વેપારીઓનો વિરોધ અને ચક્કાજામ યથાવત : 'માલ અત્યારે જ જોઈએ'અધિકારીઓની આ વાત સામે વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. વેપારીઓએ માંગ કરી હતી કે તેમનો તમામ સામાન અત્યારે જ પરત આપવામાં આવે. અધિકારીઓ સાથેની વાતચીત બાદ કોઈ ચોક્કસ ઉકેલ ન આવતા, ભાજપ અગ્રણી જયંતીભાઈ પટેલ અને વેપારીઓનું પ્રતિનિધિમંડળ રૂબરૂ રજૂઆત કરવા મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા છે.આગામી વ્યૂહરચના પર નજરહાલમાં મહાનગરપાલિકા કચેરી ખાતે વેપારીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકનો દોર શરૂ થયો છે. જો વેપારીઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો અગાઉ આપેલી 'મોરબી બંધ'ની ચીમકી મુજબ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.બીજી તરફ, પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સામાન્ય કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની અસર જોવા મળી રહી છે.મહાનગર પાલિકા કચેરીએ શું નિર્ણય લેવાય છે? તેની લાઈવ અપડેટ માટે જોતા રહો 'મોરબી અપડેટ'.#MorbiUpdate #BreakingNews #MorbiNagarpalika #JayantibhaiPatel #ProtestUpdate #MorbiNews #LiveUpdate