મોરબી: મોરબી શહેરના ફૂટપાથ પર વસવાટ કરતા અને ઘરવિહોણા લોકોના રક્ષણ માટે મોરબી મહાપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. 26 જાન્યુઆરીની રાત્રે કમિશનર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ વિશેષ 'નાઈટ-ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ઠંડીના પ્રકોપથી ગરીબ અને નિરાધાર લોકોને બચાવવાનો હતો.આ ડ્રાઈવ દરમિયાન યુ.સી.ડી. શાખા અને સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થાના સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા લોકોની મુલાકાત લેવામાં આવી હતી. યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા તેમને આશ્રયગૃહના લાભો વિશે સમજ આપી, કુલ 16 જેટલા ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે આશ્રયગૃહ ખાતે ખસેડવામાં આવ્યા હતા.મોરબી ખાતે કાર્યરત મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહમાં નિરાધાર લોકો માટે રહેવા, જમવા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ આશ્રયગૃહનું સંચાલન મનપા દ્વારા નિયુક્ત સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. મનપા કમિશનર દ્વારા શહેરના તમામ જરૂરિયાતમંદ અને ઘરવિહોણા લોકોને આ આશ્રયગૃહનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.