થાનગઢ: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ (પાંચાળ)ની પવિત્ર તપોભૂમિ પર આવતી કાલે ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ 'ચતુર્થ ધર્મસત્તાક મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ વંદના મંચ અને શ્રી જોગધ્યાનપુરા આશ્રમ-થાનગઢના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ મહોત્સવમાં 'રાજસત્તા સાથે ધર્મસત્તા'ના નિર્માણનો દિવ્ય સંકલ્પ લેવામાં આવશે. કાર્યક્રમની વિશેષતાજેવી રીતે ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે, તેવી જ રીતે ધર્મસત્તાના ગૌરવ માટે ૨૭મી જાન્યુઆરીએ ભગવો ધ્વજ લહેરાવીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ધ્વજારોહણ: ૨૭ જાન્યુઆરી, મંગળવારે સવારે ૯:૦૦ કલાકે યોજાશે. બ્રહ્મર્ષિ સભા: સવારે ૯:૩૦ થી બપોરે ૧:૩૦ સુધી સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સભા યોજાશે. ભોજન પ્રસાદ: બપોરે ૧:૩૦ થી ૨:૩૦ કલાકે તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. સંતોની પાવન ઉપસ્થિતિઆ મહોત્સવ સપ્તર્ષિ પરિષદના અધ્યક્ષ પ.પૂ. મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ અને ઉપપ્રમુખ પ.પૂ. જગદ્ગુરુ સૂર્યાચાર્યશ્રી કૃષ્ણદેવજી મહારાજના સાનિધ્યમાં યોજાશે. સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરના નામાંકિત સંતો-મહંતો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. પૂજ્ય જોગબાપુ: 'સેવા એ જ સાચો ગુરુધર્મ'ના પ્રણેતાશ્રી જોગધ્યાનપુરા આશ્રમમાં બિરાજમાન પૂજ્ય જોગબાપુ (શ્રી ધ્યાનશંકર મુક્તિનારાયણ ભગવાન)નું જીવન યોગ અને નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક રહ્યું છે. પરંપરા: બાપુએ 'જમનારની રોટલી ક્યારેય ગણવી નહીં' તેવો અદ્ભુત સિદ્ધાંત આપ્યો હતો, જે આજે પણ આશ્રમમાં અકબંધ છે. સેવાકાર્યો: આશ્રમ દ્વારા ૧૯૮૧ થી અવિરત અન્નક્ષેત્ર ચાલે છે. ઉપરાંત, ૨૬૦ જેટલી ગાયોની ગૌશાળા, અશક્ત લોકો માટે ઘરે ટીફીન સેવા અને પદયાત્રીઓ માટેના સેવા કેમ્પ જેવી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. ઐતિહાસિક મહત્વ: બાપુએ મોરબી પાસે મચ્છુ નદીના કિનારે કઠિન તપસ્યા કરી હતી. મચ્છુ ડેમ બનતા મૂળ જગ્યા જળમગ્ન થતા તેઓ થાનગઢ પધાર્યા હતા. આ ધાર્મિક ઉત્સવમાં જોડાવા માટે આશ્રમ ટ્રસ્ટના ચેરમેન ઓમશંકર (રાજુભાઈ) ઠાકર અને મેનેજીંગ ટ્રસ્ટી શાંતિલાલભાઈ દેત્રોજા દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.