ભારતીય લોકશાહીના કેન્દ્રમાં ભારતીય નાગરિકની થીમ સાથે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયોમોરબી: ભારત ચૂંટણી પંચ-નવી દિલ્હી અને મુખ્ય નિર્વાચન અધિકારી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશની સાથે મોરબી જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબીની જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે ‘Indian Citizen at the Heart of Indian Democracy’ ના પ્રેરક થીમ પર લોકશાહીના પર્વ એવા 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voter’s Day) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ મતદાનની પવિત્રતા અને નાગરિકોની જવાબદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. વિશેષમાં જણાવ્યું હતું કે, લોકશાહીની સફળતાનો આધાર જાગૃત મતદાર પર રહેલો છે. તેમણે લોકોને મતદાન પ્રક્રિયા અંગે સઘન જાણકારી મેળવવા અને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે અનુરોધ કર્યો હતો કે, દરેક જાગૃત નાગરિક પોતાના પરિચિત વ્યક્તિઓને પણ મતાધિકારના મહત્વ વિશે સમજાવી તેમને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે પ્રેરિત કરે તે અત્યંત આવશ્યક છે.ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીને સુદ્રઢ બનાવવામાં પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓને આ અવસરે મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં 65-મોરબી વિધાનસભા મતવિસ્તારના શ્રેષ્ઠ ERO તરીકે પ્રવિણસિંહ જેતાવત અને શ્રેષ્ઠ AERO તરીકે એચ.સી. પરમારને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના શ્રેષ્ઠ મતદારયાદી નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી, સુપરવાઈઝર અને બી.એલ.ઓ. (BLO) ને પણ તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરી બદલ સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર યાદી મુજબના મતદાર પત્રકો મતદારોને પહોંચાડ્યા અને વર્ષ 2002 પ્રમાણેની યાદી મુજબ ભરાયેલા ફોર્મ સ્વીકારવાનું કામ બીએલઓએ કર્યા અને સાથે સાથે આવેલા ફોર્મ ઓનલાઈન પણ કર્યા, આ કપરી કામગીરી ઉત્કૃષ્ઠ રીતે કરનાર મોરબીના ગજાનનભાઈ આદ્રોજા રોટરીગ્રામ શાળાના શિક્ષક અને શશીકાંત ભટાસણા અદેપર પ્રા.શાળાના શિક્ષકને રાજ્યકક્ષાના બેસ્ટ બીએલઓ તરીકે રાજ્યપાલની ઉપસ્થિતમાં સ્પીપા ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને મોરબી જે.એ.પટેલ મહિલા ખાતે દિલીપભાઈ પરમાર શિક્ષક જુના લીલાપર શાળાના શિક્ષક 65-મોરબી ભાગ નંબર-279 ના બીએલઓ પી.પી.ખાવડીયા 66-ટંકારા ભાગ નંબર-96, એચ.વી.પંડ્યા 67-વાંકાનેર ભાગ નંબર-224 ના બીએલઓ અને હિમેંતભાઈ ભાગીયા રૂટ સુપરવાઈઝર 66-ટંકારા વગેરે બુથ લેવલ ઓફિસર તરીકે કામગીરી કરતા શિક્ષકોને જિલ્લા કક્ષાના બેસ્ટ બીએલઓ તરીકે કલેકટર કે.બી.ઝવેરીના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભાના ERO, AERO સહિત BLO સુપરવાઈઝર, NCC અને NSS ના કેડેટ્સે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને આભાર વિધિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ જે. રાજવાઢાએ કરી હતી.