આગોતરી જાણ વગર કેસરબાગ પાસે મુખ્યમાર્ગ બંધ કરી દેતા લોકોને ફરી ફરીને જવું પડ્યુંમોરબી : મોરબી શહેરમાં મહાનગર પાલિકા દ્વારા સમયાંતરે અવનવા કાર્યક્રમ યોજી લોકો માટે સરાહનીય કામગીરી કરવામાં આવે છે પરંતુ રવિવારે કોર્પોરેશને કેસરબાગ નજીક ફનસ્ટ્રીટ કાર્યક્રમમાં આગોતરી જાણ વગર જ મુખ્ય માર્ગ બંધ કરી દેતા સવારના સમયે સેંકડો લોકોને જગચોર્યાસીના ફેરાની જેમ ફરી ફરીને જવું પડ્યું હતું અને હેરાનગતિનો ભોગ બનવું પડ્યું હતું.મોરબી મહાનગર પાલિકા દ્વારા પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ રવિવારે સવારે વિસરાયેલી કોથડા દોડ, લીંબુ ચમચી, લંગડી દાવ, ટાયર ફેરવવા સહિતની વિવિધ શેરી રમતોને જીવંત કરવાના પ્રયાસરૂપે ફન સ્ટ્રીટનું આયોજન કેસરબાગ મુખ્ય રોડ પર કર્યું હતું. જો કે, વિસરાયેલી રમતો માટે મહાનગર પાલિકાએ રસ્તો બંધ કરી દેતા સવારના સમયે સામાકાંઠાથી જુના શહેરમાં આવતા અને જૂના શહેરથી સામાકાંઠા જતા અનેક વાહનચાલકોને મુશેકલીની સામનો કરવો પડ્યો હતો.મહાનગર પાલિકાના અણધડ આયોજનને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.બુદ્ધિજીવી નાગરિકોએ જણાવ્યું હતું કે, મહાનગર પાલિકા આ કાર્યક્રમ સાર્થક વિદ્યામંદિર વાળા રસ્તા પર અથવા તો ડીમાર્ટ તરફ જવાના રસ્તે પણ કાર્યક્રમ કરી શકી હોત સાથે જ આગોતરી જાણ પણ કરી હોય તો લોકો આ રસ્તેથી ન નીકળે, આ ઉપરાંત અહીં આવેલ અગનેશ્વર મહાદેવ મંદિર તેમજ મહાપ્રભુજીની બેઠક જતા શ્રધ્ધાળુઓને પણ દોઢથી બબ્બે કિલોમીટર ફરીને જવું પડ્યું હતું. આ સંજોગોમાં મહાનગર પાલિકાના રમત ગમત વિભાગના અણધડ આયોજન સામે સવાલો ઉઠ્યા છે.