મોરબી : મોરબી 181 અભયમ ટીમ તથા ચાઈલ્ડ હેલ્પલાઈન (1098) તથા જનરક્ષક (112)ની ટીમના સંયુક્ત પ્રયાસથી પરિવારથી છુટી પડી ગયેલી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.ઘટનાની વિગતે વાત કરીએ તો, 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન કરીને એક બાર વર્ષ આસપાસની બાળકી મળી આવી હોવાનું જણાવ્યું હતું. આ બાળકી ભૂલી પડી ગઈ હોય 181 ટીમની મદદ માંગી હતી. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ બાળકી સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ બાળકીને સાંત્વના આપી સરળતાપૂર્વક વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બાળકી ડરી ગઈ હોવાથી કશું બોલતી ના હોય જેથી પ્રાથમિક માહિતી મળી ન હતી જેથી ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ (1098), જનરક્ષક (112) ટીમ સંકલનમાં રહી બાળકીને રેસ્ક્યૂ વાનમાં બેસાડી આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ સરનામું જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ તેમના પરિવારજનો મળી આવતા તેમનું કાઉન્સિલ કરતા તેમણે જણાવેલ કે તેઓ ઓડિસાના વતની છે અને મોરબીમાં કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવ્યા છે. તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતાં ત્યારે બાળકી તેમને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી અને રસ્તો ભૂલી ગઈ હતી. ત્યારબાદ પરિવારને સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપી હવે પછી તેમને તેમની દીકરીનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આમ બાળકીને એના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવી સરાહનીય કામ મોરબી 181 અભય, ચાઈલ્ડ હેલ્પલાઇન તથા જનરક્ષક ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.