મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચા વગેરેએ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે કે મોરબી જિલ્લામાં વિધવા તથા નિરાધાર વિકલાંગ લાભાર્થીઓને પેન્શનની રકમ લાંબા સમયથી ન મળતી હોવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લામાં સરકારની વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ અંતર્ગત નોંધાયેલા અનેક વિધવા મહિલા તથા વિકલાંગ લાભાર્થીઓને છેલ્લા લાંબા સમયથી પેન્શનની રકમ મળતી નથી. જેના કારણે લાભાર્થીઓને આર્થિક, માનસિક અને સામાજિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. અરજીઓ મંજૂર થઈ હોવા છતાં ખાતામાં પેન્શન જમા થતું નથી. કેટલાક કિસ્સાઓમાં વર્ષોથી પેન્શન એટકેલું છે. લાભાર્થીઓ વારંવાર કચેરીઓના ધક્કા ખાતા હોવા છતાં તેમને સંતોષકારક જવાબ મળતો નથી. ત્યારે આપના કક્ષાએથી યોગ્ય સૂચનાઓ આપવામાં આવે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.